સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ સામે વિરોધ, 1000 પરિવારોની રોજગારી છીનવાશે
સુરેન્દ્રનગરઃ ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં સ્પોર્ટ સંકૂલ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર શહેરમાં મેળાના મેદાન તરીકે ઓળખાતા સ્થળે સ્પોર્ટસ સંકૂલ બનાવવાનો નગરપાલિકાના સત્તાધિશોએ નિર્ણય લેતા વિરોધ શરૂ થયો છે. શહેરની વચ્ચે આવેલા મેળાના મેદાનમાં સંયુકત પાલિકા દ્વારા કરોડોના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેની કામગીરી ચાલુ કરવાની હોય નગરપાલિકાએ ત્યા બેસીને રોજી રોટી રળતા લોકોને જગ્યા ખાલી કરવા માટે નોટીસ આપી હતી. જેના વિરોધમાં સોમવારે મેળાના મેદાન ખાતે લોકો ભેગા થયા હતા અને વિરોધ કરી સુત્રોચ્ચાર કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરમાં એક પણ સ્પોર્ટસ સંકુલ નથી. આથી સંયુકત પાલિકા દ્વારા મેળાના મેદાન ખાતે તમામ રમત ગમતની આધુનિક સુવિધા સાથે સ્પોર્ટ સંકુલ બનાવવાનો નિર્ણય લીધો હતો. જેનુ કામ ચાલું કરવાનુ હોય નગરપાલિકાએ મેળાના મેદાનમાં બેસીને વેપાર કરતા લોકોને જગ્યા ગુરૂવાર સુધીમાં ખાલી કરવા માટેની નોટીસો આપી હતી. ત્યારે સોમવારે શાકભાજીના વેપારી,લારી,ગલ્લા તથા ઘાસચારાના વેપારીઓ મેળાના મેદાન ખાતે ભેગા થયા હતા અને વિરોધ કર્યો હતો. આ જગ્યા ખાલી કરાવવામાં આવે તો એક હજારથી વધુ પરિવારની રોજી રોટી છીનવાઇ જવાનો પ્રશ્ન ઉભા થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગરમાં મેળાના મેદાન ખાતે નાની મોટી ચીજ વસ્તુઓનો વેપાર કરીને ગુજરાન ચલાવતા 1000 જેટલા વેપારીઓની હાલત કફોડી થશે. વેપારીઓ યોગ્ય રીતે ધંધો ચાલે તેવી વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવા માટેની માંગ કરી રહ્યા છે. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યુ કે ઘાસચારા વાળાને આપણી ડંપીંગ સાઇડ બાજુ જગ્યાની ફાળવણી કરી છે. જયારે શાકભાજી સહિતના અન્ય જે વેપારીઓ છે તેમને કયા જગ્યા ફાળવવી તેના માટે પદાધિકારીઓ સાથે વિચારણા કરી રહયા છીએ.