અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગારોની વણઝાર છે. ત્યારે પણ સરકાર નિવૃત થયેલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર ફરી કામે રાખી રહ્યા છે. ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની રાજકીય વગને કારણે નિવૃત થયા બાદ પણ કોન્ટ્રાક્ટ કરીને કામ કરતા હોય છે. ત્યારે હવે બોર્ડ-નિગમોમાં પણ નિવૃત કર્મચારીઓને ફરી નોકરી પર લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા 1000 જેટલા નિવૃત થયેલા ડ્રાઈવરોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કાયમી ભરતીની પ્રક્રિયા ઘોંચમાં પાડીને નિવૃત ડ્રાઈવરોની 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવા સામે વિરોધ ઊઠ્યો છે.
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા નિવૃત્ત થયેલા ડ્રાઇવરોની ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. અંદાજે 1000 જેટલા નિવૃત્ત એસટી ડ્રાઇવરોની ભરતી કરવામાં આવશે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં 3000થી વધુ ડ્રાઈવરોની ભરતી બહાર પાડી છે. જે પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી ત્યારે નિવૃત્ત થયેલા કર્મચારીને ભરતી કરી એસટી બસ ચલાવાશે. આ અંગે એસટી નિગમના સૂત્રોના કહેવા મુજબ
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વર્ષ 2023માં ડ્રાઇવર અને કંડક્ટરની ભરતી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 3000થી વધુ ડ્રાઇવરોની ભરતી કરવામાં આવશે. તેની પરીક્ષા લેવાઈ ગઈ છે. હાલમાં કંડક્ટરની સ્ક્રૂટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત એસટી નિગમમાંથી નિવૃત્ત થયેલા જે ડ્રાઇવરોની ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત બહાર પાડી છે તે 11 મહિના અથવા નવા ડ્રાઇવરની ભરતી ન થાય તે સમય સુધી જ ડ્રાઇવર તરીકે નોકરી પર રાખવામાં આવશે.
એસટી નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે, એસટી નિગમમાં ડ્રાઇવરની ભરતી પ્રક્રિયા માટે લાંબી પ્રક્રિયા હોય છે. ડ્રાઇવરના ટેસ્ટ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારનાં ફિટનેસ સર્ટિફિકેટ અને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થતા 6થી 8 મહિના લાગે છે. હાલમાં ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની સગવડતા માટે એસટી બસોમાં વધારો થઈ રહ્યો છે. ડ્રાઇવરોની ઘટ પૂરી કરવા માટે ડ્રાઇવરોની ભરતી કરવામાં આવે છે. જોકે નવા ડ્રાઇવરની ભરતી થતાંની સાથે જ આ ડ્રાઇવરોને છૂટા કરવામાં આવશે.
નિવૃત્ત કર્મચારીઓની ભરતીમાં જે ડ્રાઇવર-કંડક્ટર 1 જાન્યુઆરી 2021થી આજ દિન સુધી નિવૃત્ત થયેલા હોય તેમને લેવામાં આવશે. નિવૃત ડ્રાઈવરોને 11 માસ માટે અથવા જે ડ્રાઇવરની ઉંમર 62 વર્ષની પૂર્ણ થાય ત્યાં સુધી ના જ લેવામાં આવશે.અને કરાર આધારિત આ ભરતી કરવામાં આવશે. જેમાં શરતો મુજબ નવી ડ્રાઇવરની ભરતી પ્રક્રિયામાં ડ્રાઇવરોની નિમણૂક થતાની સાથે જ આ ડ્રાઇવરોને છૂટા કરવામાં આવશે. પ્રતિભા ડ્રાઇવરનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત લેવામાં આવશે. ફિટનેસ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશન બાદ જ તેઓને નોકરી પર રાખવામાં આવશે.