વડોદરાઃ બૂલેટ ટ્રેન માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 7 પાસે યાર્ડમાં આવેલું સયાજીરાવ ગાયકવાડના સમયનું ઐતિહાસિક સલૂન બિલ્ડિંગ તોડી પડાતા વિરોધ ઊભો થયો છે. અંદાજે 135 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને સુપ્રત કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં ગાયકવાડ સમયની અંદાજે 1886માં બનેલી આ ઇમારત તોડી પડાતાં લોકોમાં કચવાટ ફેલાયો હતો. 135 વર્ષ જૂની ધરોહરની સ્થિતિ નિષ્કાળજીના કારણે ખંડેર જેવી થઈ હતી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા આ જગ્યાની કોની માલિકીની છે અને વળતર અપાયું છે કે નહીં તે અંગે સત્તાવાર જાણકારી આપી નથી, પરંતુ રેલવેનાં સૂત્રો મુજબ આ જગ્યા રેલવેની માલિકીમાં જ આવતી હતી. આ બિલ્ડિંગને પણ પુરાતત્વ વિભાગને સોંપીને સાચવી શકાઈ હોત. સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ જણાવ્યું કે, બિલ્ડિંગ 30 તારીખે તોડવાનું ટેન્ડર હતું. અમને જાણ થતાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના ચીફ પ્રોજેક્ટ મેનેજર પ્રદીપ આહિકરને લેખિત રજૂઆત કરી ઐતિહાસિક ધરોહરને સાચવી રાખવા જણાવ્યું હતું, પરંતુ તે દિવસે રાત્રે તેમણે ઇમારત ગેરકાયદે તોડી પાડી છે. 1886માં મુંબઈ જવા સયાજીરાવ ઇમારતનો ઉપયોગ કરતા હતા. અમે કોન્ટ્રાક્ટર અને ચીફ પ્રોજેક્ટ મેનેજર સામે ફરિયાદ નોંધાવીશું અને હાઇકોર્ટ સુધી લડત આપવાના છીએ.
ઐતિહાસિક રેલવે સલૂનને તોડી પડાતા હેરિટેજ ટ્રસ્ટે પણ વિરોધ કર્યો છે. આ શેડ રોયલ સલૂન્સનું અપ્રતિમ ઉદાહરણ હતું અને જો તેનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું હોત તો સર સયાજીરાવના ગૌરવ અને શહેર પોતાના ભવ્ય ભૂતકાળને કેટલું સન્માન આપે છે તેનું ઉદાહરણરૂપ આપી શકાત. હેરિટેજ ટ્રસ્ટ અને અનેક સંસ્થા તરફથી અનેક પ્રતિનિધિ મંડળોએ રજૂઆતો કરી હતી પણ સત્તાધીશો ફરજ ભૂલ્યા છે.