અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેલન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 350થી વધુ નર્સો અને 150થી વોર્ડબોયને છૂટા કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. કોરોનાના કાળ દરમિયાન એસવીપી હોસ્પિટલમાં નર્સો અને વોર્ડબોયએ સારી કામગીરી કરી હતી પણ ચર્ચા એવી ચાલી રહી છે.કે, એસવીપી હોસ્પિટલનું પ્રાઇવેટાઇઝેશન કરવાનું હોવાથી વધારાના કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી બાદ શહેરમાં હવે જ્યાં કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. આ તબક્કે શહેરની જાણીતી એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવતી 350થી વધુ નર્સિંગ સ્ટાફ અને 150થી વધુ જેટલા વોર્ડબોયને છૂટા કરવામાં આવ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. એસવીપી હોસ્પિટલમાંથી છૂટા કરવામાં આવેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમે અમારા જીવની પરવા કર્યા વિના કલાકોના કલાકો કામ કર્યું છે, એ વખતે અમને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવવામાં આવ્યાં, અને હવે એકાએક અમને નોકરીમાંથી છૂટા કરી દેતાં હવે અમારા પરિવારના ભરણપોષણના પ્રશ્નો ઊભાં થયાં છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ એસવીપી માંથી ફરજમુક્ત કરવામાં આવેલાં નર્સિંગ સ્ટાફ અને વોર્ડબોય આઉટસોર્સ એજન્સીના કર્મચારીઓ છે. જેમને છૂટા કરવા અંગે એક મહિના પહેલાં 11 ઓક્ટોબરના રોજ નોટિસ આપી દેવામાં આવી હતી. જે મુજબ શુક્રવારે નર્સિંગ સ્ટાફ અને વોર્ડબોયને છૂટા કરવામાં આવ્યા છે. તો બીજીબાજુ એસવીપી હોસ્પિટલનાં જ એક સિનિયર તબીબે કહ્યું હતું કે, અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટના કર્તા ધરતાં ખૂબ આયોજનબદ્ધ રીતે એસવીપી હોસ્પિટલને ખાનગીકરણ તરફ ધકેલી રહ્યાં છે. પહેલાં એસવીપી હોસ્પિટલને ઊભી કરવા માટે વી. એસ. હોસ્પિટલને મરણપથારીએ લઈ ગયાં અને હવે એસવીપીને મોટી ખાનગી પાર્ટીને પધરાવવા માટેનો તખ્તો તૈયાર કરાઈ રહ્યો છે. આ આયોજનના ભાગરૂપે એસવીપી હોસ્પિટલ દ્વારા જ ‘મા કાર્ડ’ જેવી સરકારી યોજના ચલાવવામાં આવતી નથી. પરિણામે દર્દીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. ત્યારબાદ હોસ્પિટલને ચલાવવાનો ખર્ચ વધુ આવી રહ્યો હોવાનું કહી મોટી ખાનગી કંપનીને આપી દેવાશે. એવુ લાગી રહ્યું છે.