વિરમગામઃ શહેરના માર્કેટ યાર્ડ યાને એપીએમસીમાં માત્ર વિરમગામ તાલુકાના જ નહીં પણ માંડલ, દસાડા સહિત અન્ય તાલુકાના ખેડુતો પણ પોતાની ખેતપેદાશ વેચવા માટે આવતા હોય છે. ત્યારે ઘણીવાર ખેત પેદાશના ભાવ નક્કી કરવામાં વેપારીઓ દ્વારા ખેડુતોનું શોષણ થતું હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. તાજેતરમાં વિરમગામ એપીએમસી સામે કપાસ- કાલાના ઉતારામાં વેપારીઓ દ્વારા વિરમગામ ઉપરાંત માંડલ અને દસાડા તાલુકાના ખેડૂતોનું શોષણ કરાતાં સ્થાનિક તમામ ખેડૂતોનો બિનરાજકીય કાર્યક્રમ યોજાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ વિરમગામ વિસ્તારના સમસ્ત ખેડૂતો દ્વારા બિન રાજકીય કાર્યક્રમ સોમવારે 12 ફેબ્રુઆરી 2023એ યોજવામાં આવ્યો હતો. જેમાં વિરમગામ એપીએમસી ખાતે વિશાળ સંખ્યામાં બેનરો સાથે ખેડુતોએ ભેગા થઈ રેલી કાઢી વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાલાના ઉતારામાં વેપારીઓ દ્વારા વિરમગામ ઉપરાંત માંડલ અને દસાડા તાલુકાના ખેડૂતોનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિરમગામ વિસ્તારના ખેડૂતોનું વેપારીઓ દ્વારા વિવિધ તરકીબો અને નિયમો બનાવી શોષણ થાય છે. જે મુજબ વર્ષોથી પ્રતિ 20 કિલો કાલામાંથી 14 કિલો કપાસ અને તે 14 કિલો કપાસમાંથી 40% રૂ અને 60% કપાસિયા નીકળે તે વેપારીઓ દ્વારા સ્વીકૃત હતું. હવે તે નિયમ 14.5 કિલો એટલે એ સાડા ચૌદ કિલોની ઘડી ગણે છે. જેમાં 14.5 કિલોનો ઉતારો ન આવે તો પ્રતિ ઓછા 100 ગ્રામ ઉતારાદીઠ 1 પોઇન્ટ માયનસ ગણી તેના પ્રતિ 1 પોઇન્ટ પર 8 રૂપિયા કાપે છે. જયારે ઉતારો 14.5 કિલોથી વધારે આવે તો ઉપરના પોઇન્ટ માટે વધારે ભાવ આપવામાં આવતો નથી. તેની પહોંચમાં માત્ર પાસ એવું લખવામાં આવે છે. ખેડૂતોની માગ છે કે 1 મણ કાલા દીઠ 14 કિલોનો ઉતારો વેપારીઓએ માન્ય રાખવો જોઈએ. અને જો ઉતારો 14 કિલોથી વધારે આવે તો તેના પોઇન્ટ ગણી એ મુજબ વધારે ચુકવણું કરવું જોઈએ. જો યોગ્ય ઉકેલ ન આવે તો ખેડૂતો દ્વારા પક્ષાપક્ષી મૂકી ખેડૂત હિતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે તેમ જણાવાયુ હતુ.