ગાંધીનગરઃ ગુજરાતમાં ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારો ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. ઉમેદવારોએ ગાંધીનગરમાં ઘરણાં અને પ્રદર્શન કર્યા બાદ સરકારે શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી હતી. પણ બીજી બાજુ સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત આપતાં નોકરીવાંચ્છુ યુવાનો રોષે ભરાયા છે. ઉમેદવારોને ડર છે કે, સરકાર જ્ઞાન સહાયકોની ભરતી કરીને સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ભરતીમાં કાપ મૂકી શકે છે.
ગુજરાત સરકારે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી માટે આશ્વાસન આપ્યું છે. રાજ્યમાં 24000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.પણ જ્ઞાન સહાયકોની ભરતીને લીધે ટેટ અને ટાટના ઉમેદવારોને ડર છે કે, સરકાર મોટાપાયે શિક્ષકોની ભરતી માટે ઉત્સાહી નથી.
રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં વસતીનો વૃદ્ધિદર ઓછો થઇ રહ્યો છે અને તેને લઇને નિરૂપિત થતા આંકડા દર્શાવે છે કે આવતાં 15 વર્ષમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં શિક્ષકોની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઘટી જશે. આ ઉપરાંત વાલીઓ પોતાના બાળકોને સરકારીને બદલે ખાનગી સ્કૂલો તરફ ઝોક અપનાવતા થયાં છે. આવાં સંજોગોમાં સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરીને 35 વર્ષ માટે ફાજલના રૂપે ભારણ વધારવાના મૂડમાં નથી. તેમના પગાર અને નિવૃત્તિ પછીના લાભોને લઇને પણ સરકાર પર નાણાકીય ભારણ પડી શકે છે. હાલ સરકાર 10થી 15 ટકા જ્ઞાન સહાયકો અને બાકીના કાયમી શિક્ષકોની ભરતી કરીને એક બફર જેવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે. કાયમી શિક્ષકો આ રીતે સરકાર પર જવાબદારી બની જાય છે, તેની સામે જ્ઞાન સહાયક કરાર આધારિત હોવાથી તેઓ પર્ફોર્મર બનીને કામ કરે છે અન્યથા તેમનો કરાર રિન્યૂ થતો નથી. કાયમી શિક્ષકો વધારાનું ભારણ સર્જે તેનાથી જ્ઞાન સહાયકો મહત્ત્વનું પરિબળ સાબિત થઇ શકે છે. સરકાર વિદ્યાર્થીઓનું હિત વિચારે છે, શાળા સંચાલકો કે શિક્ષકોનું નહીં.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરી દીધી છે. 11 માસના કરાર ઉપર થનારી આ ભરતીમાં જોડાવવા માટે અરજદારો 27 જુલાઈને શનિવારથી 05 ઓગસ્ટને સોમવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જ્ઞાન સહાયક માધ્યમિકમાં પ્રતિમાસ ફિક્સ પગાર રૂ.24 હજાર અપાશે. જ્યારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં પ્રતિમાસ પગાર રૂ.26 હજાર અપાશે. વયમર્યાદા જ્ઞાન સહાયક માધ્યમિકમાં 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. (File photo)