ભાવનગર જિલ્લાના યાર્ડ્સમાં ડુંગળીના નિકાસ પ્રતિબંધ સામે વિરોધ, હવે ટુંકમાં ઉકેલ આવી જશે
ભાવનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરાતા ડુંગળીના ભાવ ગગડી ગયા છે. જેથી ખેડુતોને પ્રતિ 20 કિલોએ રૂપિયા 300થી 400નું નુકશાન થઈ રહ્યું છે. ડુંગળીની નિકાસબંધીના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં થોડા દિવસો પૂરતી માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ પણ રહી હતી. જોકે ડુંગળીની સેલ્ફ લાઈફ ઓછી હોય અને તેના કારણે ખેતરમાંથી આવેલો ડુંગળીનો પાક બગડી જવાની ભીતિ વચ્ચે ડુંગળીની હરરાજી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ખેડુતોનો વિરોધ ચાલુ રહ્યો છે. ભાવનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો ડુંગળીની નિકાસબંધી સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એકાદ-બે દિવસમાં ડુંગળીની નિકાસબંધીનો નિર્ણય પરત ખેંચવામાં આવશે. એવું જિલ્લાના સાંસદે ખેડુતોને આશ્વાસન આપ્યું છે.
જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના વિરોધ બાદ સોમવારે ભાવનગર માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ભાવનગર યાર્ડમાં નિકાસબંધીના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે પ્રદર્શન કરાયુ હતું, જેને કારણે થોડા સમય પૂરતી ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની હરરાજી પ્રભાવિત થઈ હતી. જોકે માર્કેટ યાર્ડના સેક્રેટરી અને સાંસદના પ્રતિનિધિની સમજાવટ અને બાહેંધરી બાદ મામલો થાળે પડ્યો હતો.
મહુવા માર્કેટ યાર્ડ બાદ સોમવારે સવારે 11 વાગ્યાના અરસામાં ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીની હરરાજી સમયે ખેડૂત આગેવાન ભરતસિંહ તથા અન્ય ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવાના નિર્ણયનો વિરોધ આવ્યો હતો. જેનાથી યાર્ડમાં ડુંગળીની હરરાજી એક કલાક પૂરતી પ્રભાવિત થઈ હતી. ભાવનગર યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ જતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.ખેડૂત આગેવાનોની માંગ હતી કે, સરકાર ડુંગળીની નિકાસબંધી હટાવે અથવા સરકાર ખેડૂતો પાસેથી ડુંગળીને રૂ.50 કિલોના ભાવેથી તથા કપાસ અને મગફળી રૂ.2500 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદે. ભાવનગર માર્કેટ યાર્ડમાં સવારે ભારે સૂત્રોચાર વચ્ચે પ્રદર્શન જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને વિરોધની પરિસ્થિતિ વચ્ચે ડુંગળીની હરરાજી પ્રભાવિત થઈ હતી. આશરે ત્રણથી ચાર કલાક ચાલેલા પ્રદર્શન જોતા યાર્ડના સેક્રેટરી અને ભાવનગરના સાંસદના PAએ રૂબરૂ ખેડૂતો સામે હાજર થવું પડ્યું હતું. જેમાં બારદાન કપાત મુદ્દે 2015ના નિયમનું પાલન થશે અને તેનું પાલન નહિ કરનાર વેપારીનું લાયસન્સ રદ થશે તેવી સેક્રેટરીની બાહેંધરી આપી હતી. દરમિયાન સાંસદના પર્સનલ સેક્રેટરીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, ‘ડુંગળીનો પ્રશ્ન સરકારમાં વિચારણામાં છે. જે એકાદ-બે દિવસમાં નિરાકરણ આવી જશે. સરકારના પ્રતિનિધિ તરફથી મળેલી બાહેંધરી બાદ હાલ 48 કલાક પૂરતું આંદોલન મુલતવી રખાયું છે. ત્યારે ડુંગળીની નિકાસબંધીના નિર્ણય મુદ્દે આગામી સમયમાં સરકાર તરફથી શું નિર્ણય આવે તેના પર સૌની મીટ મંડાયેલી છે.