Site icon Revoi.in

સ્વનિર્ભર સ્કુલોમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો લેવા વાલીઓને કરાતા દબાણ સામે વિરોધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં તા.13મી જુનથી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. શાળાઓ શરૂ થયા પહેલા જ વાલીએ દ્વારા પોતાના બાળકો માટે પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુકો, અને અન્ય સ્ટેશનરીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક સ્વનિર્ભર શાળાઓ દ્વારા પસંદગીની ખાનગી પ્રકાશનોના પુસ્તકો, માર્ગદર્શિકાઓ લેવા વાલીઓને દબાણ કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  શિક્ષણ વિભાગની બેવડી નીતિને પગલે રાજ્યભરની ખાનગી શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો લેવા માટે શાળાના સંચાલકો વાલીઓને દબાણ કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. તેમાંય અંગ્રેજી માધ્યમની શાળાના બાળકોના વાલીઓ ખાનગી પ્રકાશનના મામલે આર્થિક મુંઝવણ અનુભવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પાઠ્ય પુસ્તક મંડળમાં ધોરણ-1થી 12ના તમામ માધ્યમના પુસ્તકો શિક્ષણ વિભાગે નિયત કરેલા અભ્યાસક્રમના છાપવામાં આવે છે. તેમાંથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. જ્યારે અમુક ટકા પાઠ્ય પુસ્તકો વેચાણ માટે બજારમાં મુકવામાં આવે છે. જોકે અમુક ખાનગી શાળાઓ દ્વારા રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના પુસ્તકો વાલીઓ પાસે લેવડાવવામાં આવે છે. પરંતુ મોટાભાગે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ખાનગી પ્રકાશનોના પાઠ્ય પુસ્તકોનો ઉપયોગ કરાતો હોવાનું કહેવાય છે

રાજ્યના શિક્ષણ વિભાગમાં રજિસ્ટ્રેશન થયેલી સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળાઓ માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિતની કોઇપણ માધ્યમની શાળાઓએ નિયત કરેલા નિયમોનું ચુસ્ત પાલન કરવું પડે છે. પરંતુ ખાનગી શાળાઓમાં નિયમોનું પાલનને લઇને અનેક પ્રશ્નો વાલીઓમાં ઉઠી રહ્યા છે. તેમાં સૌથી મહત્વનું અને વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર કરતું ખાનગી પ્રકાશનોના પાઠ્ય પુસ્તકોનો અભ્યાસમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ખાનગી પ્રકાશનોની પાસેથી કમિશન લઇને તેના જ પુસ્તકો લાવવાનું દબાણ શાળાઓ દ્વારા વાલીઓ ઉપર કરવામાં આવી રહ્યું છે. જોકે શાળાઓમાં રાજ્યના શિક્ષણ વિભાગે નિયત કરેલા નિયમોનું પાલન થાય છે કે નહી તેની ચકાસણી કરવાની જવાબદારી દરેક જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.