Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ એક સાથે યોજવા સામે વિરોધ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ પ્રશ્ને વિવાદમાં રહેતી હોય છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ નજીકમાં છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં યુનિ.ના પદવીદાન સમારોહ તેમજ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહનું એક સાથે આયોજન કરવામાં આવતા અરાજકતા ફેલાય તેવી ભીતિ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્વે જ આયોજનથી ઓછા છાત્રો સ્પર્ધાઓમાં ભાગ લેશે અને તેનાથી આયોજકો અને વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવી પડશે. એવી વિદ્યાર્થી સંગઠનો દ્વારા દલીલો કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે  જાન્યુઆરી અંત અથવા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પદવીદાન સમારોહ યોજાતો હોય છે. જ્યારે યુવક મહોત્સવ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં યોજવામાં આવતો હોય છે. પરંતુ ગત વર્ષે યુવક મહોત્સવ યોજાયો ન હોવાથી આ વખતે માર્ચ મહિનામાં પદવીદાન સમારોહની સાથે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે યુનિના કૂલપતિએ જણાવ્યું હતું કે, ગત તા. 21મી ઓકટોબરના રોજ મેં કુલપતિ તરીકેનો ચાર્જ લીધો તે પહેલા પદવીદાન સમારોહ યોજવા માટે રાજ્યપાલ સમક્ષ તારીખ માંગવામાં આવી હતી, પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે, જૂના એક્ટ મુજબ, સેનેટ સભ્યોને પૂરતા દિવસો થતાં ન હોવાથી પદવીદાન સમારોહ યોજી શકાય નહીં તેવો નિયમ હતો. જેથી રાજ્યપાલ પાસેથી તારીખ મળ્યા બાદ પણ પદવીદાન સમારોહ મોકૂફ રાખવો પડ્યો હતો. જોકે હવે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવી જતા પદવીદાન સમારોહ યોજવા માટે કોઈ નિયત દિવસ પૂરા થવા આવશ્યક નથી. જેથી હવે માર્ચ માસમાં પદવીદાન સમારોહ યોજાશે. તે માટે રાજ્યપાલ સમક્ષ તારીખ માંગવામાં આવી છે. જોકે હજુ આ તારીખ આવી નથી. આ ઉપરાંત ગત વર્ષે યુવક મહોત્સવ યોજી શકાયો ન હોવાથી આ વર્ષે માર્ચ માસમાં યુવક મહોત્સવ યોજવાનું નક્કી કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના કેટલાક પ્રધ્યાપકોના કહેવા મુજબ પદવીદાન સમારોહની સાથે યુવક મહોત્સવ યોજવામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થશે. આ ઉપરાંત બન્ને કાર્યક્રમના આયોજનમાં પણ મુશ્કેલી ઉભી થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં અત્યાર સુધી એક પણ વખત યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ સાથે યોજવામાં આવ્યા નથી.