ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની મ્યુનિ.કોર્પોરેશને આવક વધારવા હવે મિલ્કતોના ટ્રાન્સફર ફી લેવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે ગાંધીનગર શહેરના નાગરિકોમાં સખત વિરોધની સાથે આક્રોશ વ્યાપ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરને શહેર વસાહત મહાસંઘ દ્વારા રજૂઆત પણ કરાઈ છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને મિલ્કતોની ટ્રાન્સફર ફી લેવાના નિર્ણયથી શહેરીજનો પર બોજ વધશે. આ સંદર્ભે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, મિલકત ટ્રાન્સફર વંશ પરંપરાગત થતી હોય છે, વેચાણ થતી નથી. જ્યારે મિલકત વેચાણથી ટ્રાન્સફર થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડયૂટી વસુલ કરવામાં આવે છે તેમજ મિલકત વેરો પણ લેવામાં આવે છે. આ રીતે ડબલ ટેક્સ ચલાવી ન લેવાય. જેનો ગાંધીનગર શહેરના નાગરિકો સખત વિરોધ કરી રહ્યા છે. જે પુનઃ વિચારણા કરી પાછો ખેંચવા શહેરના નાગરિકોની માંગણી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો પાસેથી મિલકત વેરો, સફાઇ વેરો તથા અન્ય ટેક્સનું ઉધરાણું કરવામાં આવે છે. પરંતુ પૂરતી સુવિધા મળતી નથી. ઉપરાંત લાખો કરોડો રૂપિયા મિલકત વેરા લઈ ભષ્ટ્રાચાર આચરવામાં આવે છે, જેની તપાસ પણ થતી નથી. ઉપરાંત ચુંટાયેલા કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટનો ઉપયોગ શહેરના સેક્ટરોના વિકાસ માટે નહિ પણ તેમના લાગતા વળગતા વ્યક્તિઓને સાચવવા માટે ખુરશીઓ, તિજોરી, સાઉન્ડ સિસ્ટમ, પંખા, ટ્રી ગાડૅ વગેરેની ખરીદી કરી લ્હાણી કરતા હોવાના પણ આક્ષેપો કરાઈ રહ્યા છે. આ ચીજવસ્તુઓનું ફક્ત ધાર્મિક સ્થળોને વિતરણ કરવામાં આવે છે. જે વસાહતીઓને ઉપયોગી નથી. હાલમાં પણ ખુરશીઓ વિતરણ કયૉ વિના ખાનગી ગોડાઉનમાં ધૂળ ખાય છે. પરંતુ તેની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી કે નહીં તે પ્રશ્ન ઉભો જ છે. જેથી ફક્ત સેક્ટરોના વિકાસ અને કાયદેસરની જગ્યાએ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે તેવી રીતે આયોજન કરવા નાગરિકોની કમિશ્નર સમક્ષ માંગણી છે.