Site icon Revoi.in

સોમનાથ-ભાવનગર હાઈવે પર 63 કિમીમાં ત્રણ ટોલનાકાં સામે વિરોધ

Social Share

ઊનાઃ સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર 63 કિમી વિસ્તારમાં ત્રણ ટોલનાકા સામે વાહનચાલકો સહિત સ્થાનિક લોકોમાંથી વિરોધ ઊઠ્યો છે. ટોલનાકાના કર્મચારીઓ દ્વારા વાહનચાલકો સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ટોલનાકા પર ટોલને લઈ હંમેશા વિવાદ થતો રહ્યો છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થાનિક લોકોની કોઈ રજુઆતો સાંભળતા નથી.

ગીરસોમનાથ જિલ્લામાંથી સોમનાથ-ભાવનગર હાઈવે પર માત્ર 63 કિલોમીટરના જ અંતરે ત્રણ ટોલનાકા શરૂ થતાં વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર પ્રજાના જ પૈસાથી નવા રોડ બનાવે છે. હાઈવેનું નિર્માણ કરે છે. તે સારી વાત છે. રોડ રસ્તા સારા હોવા જ જોઈએ. પણ સરકારી તંત્ર હાઈવેનું નિર્માણ તો કરે છે પરંતુ તે હાઈવે પર વાહન હંકારવું હોય તો ટેક્ષ આપવો પડે છે. વર્ષો સુધી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. પ્રજા ટેક્ષ પણ ભરે છે. પરંતુ ટેક્ષ ઉઘરાવવાની કોઈ લિમીટ હોવી જોઈએ. પ્રજા પાસેથી ખુલ્લી લૂંટ ન ચલાવાય. ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર 63 કિલોમીટરના અંતરે જ 3 ટોલનાકા શરૂ થતાં લોકોમાં રોષ ભભૂક્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ટોલનાકુ શરૂ કરવાનો ચોક્કસ નિયમ હોય છે. અમુક કિલોમીટર પછી જ બીજુ ટોલનાકુ હોય છે. પણ અહીં નિયમો ઘોળીની પી જવાયા છે. 63 કિલોમીટરના અંતરમાં ત્રણ ટોલનાકા છે. જેમાં એક વેરાવળ પાસે ડોરીમાં, બીજુ વેરાવળ નજીક સુંદરપાર અને ત્રીજુ કોડિનાર નજીક વેળવા પાસે ટોલનાકુ ખોલીને ખુલ્લેઆમ વાહનચાલકો પાસેથી ટોલની લૂંટ ચલાવવામાં આવે છે. ટોલ તો ઉઘરાવાય છે પરંતુ હજુ હાઈવેનું કામ પણ અધુરુ છે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી સંસદની અંદર કહી ચુક્યા છે કે 60 કિલોમીટર પછી જ બીજુ ટોલનાકુ હોવું જોઈએ. પરંતુ અહીં તો મંત્રીનું પણ માનવા ટોલ સંચાલકો તૈયાર હોય તેમ લાગતું નથી. સોમનાથથી દિવ અને ભાવનગરથી દ્વારકા જતાં પ્રવાસીઓને ટૂંકા અંતરની મુસાફરીમાં પણ તગડો ટેક્ષ આપવો પડે છે.

ટોલનાકાને કારણે સૌથી વધુ પરેશાની ટોલબુથથી માત્ર 200 મીટરના અંતરે આવેલા ગામ લોકોને થાય છે. આ ગામના લોકોને દિવસમાં ત્રણથી ચાર વખત હાઈવે પરથી નિકળવાનું થાય છે. જેટલી વાર પસાર થાય એટલીવાર ટેક્ષ ભરવો પડે છે. જેના કારણે લોકો હેરાન થઈ ગયા છે. માસિક પાસની વ્યવસ્થા પણ શરૂ કરાઈ નથી. રોડનું કામ અધુરુ છે, અનેક જગ્યાએ ડાયવર્ઝન અપાયેલા છે અને કામ ગોકળગતિથી ચાલી રહ્યું છે જેના કારણે વાહનચાલકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.