રાજકોટના હીરાસર એરપોર્ટમાં અપુરતી સુવિધાના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો, કાર્યકરોની અટકાયત
રાજકોટઃ શહેરથી 31 કિલોમીટર દુર અમદાવાદ જતા નેશનલ હાઈવે નજીક આવેલા હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. અને તેને લોકાર્પણના દોઢ-બે મહિનામાં કાર્યરત પણ કરી દેવામાં આવ્યું છે.આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં અપૂરતી સુવિધા હોવાનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઈ રહ્યો છે અને એરપોર્ટમાં પાણી સહિતની સુવિધાઓ નહીં હોવાના પ્રવાસીઓ આરોપ લગાવી રહ્યા છે, ત્યારે આ મુદ્દે હવે NSUI અને યુથ કોંગ્રેસ મેદાને આવ્યું છે. શહેરના ત્રિકોણબાગ ખાતેથી અસુવિધા તાત્કાલિક દૂર કરવા અથવા જૂનું એરપોર્ટ ફરીથી કાર્યરત કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જોકે પોલીસે દેખાવો કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરથી એરપોર્ટ 31 કિમી દૂર આવેલું છું. જ્યાં સુધી પહોંચવામાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેવામાં નવા એરપોર્ટમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. કરોડો રૂપિયાનો મસમોટો ખર્ચ કરવા છતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસીઓની માગને વાચા આપવા કોંગ્રેસ દ્વારા મંગળવારે શહેરના ત્રિકોણબાગ ખાતે વિવિધ બેનરોની સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે સ્પષ્ટ માંગ છે કે, તાત્કાલિક ધોરણે અસુવિધા દૂર કરવી જોઈએ.
શહેરના યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા માંગ કરવામાં આવી છે. કે, નવા એરપોર્ટ પર યુદ્ધના ધોરણે પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાની જરૂર છે. જો કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ તો માત્ર ડોમેસ્ટિક હવાઈ સુવિધાઓ ચાલુ છે અને બાંધકામ કે અન્ય પ્રાથમિક સુવિધાઓ હજી સંપૂર્ણ રીતે તૈયાર થઈ નથી, ત્યારે રાજકોટનું જુનુ એરપોર્ટ જ્યાં પહેલેથી બધી સુવિધાઓ છે. તે કાર્યરત કરવું જોઈએ અને મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ભાજપ સરકાર અને એરપોર્ટ ઓથોરિટી પગલાં નહીં લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં હીરાસર ખાતે બનેલા એરપોર્ટને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. એરપોર્ટ ખાતે પ્રાથમિક સુવિધાનો અભાવ છે તેવા વિડીયો સામે આવ્યા બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા તરત જ એરપોર્ટની મુલાકાતે પહોંચ્યા હતા અને એરપોર્ટ પરની તમામ સુવિધાનું નિરીક્ષણ કરીને એરપોર્ટ ડાયરેક્ટ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ તાત્કાલિક જરૂરી પગલાઓ લેવાની સૂચનાઓ પણ આપી હતી.