રાજકોટઃ દેશમાં રોડ અકસ્માતોના વધતા જતાં બનાવોને અંકુશમાં લેવા માટે મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવવામાં આવ્યો છે. જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે. આ કાયદામાં સજા અને દંડની આંકરી જોગવાઈ સામે ટ્રકચાલકો વિરોધ કરી રહ્યા છે.ત્યારે ટ્રકચાલકો દ્વારા રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ચક્કાજામ કરાયો હતો. અને આ કાયદો રદ કરવામાં આવે એવી માગ કરી હતી, જોકે વિરોધ કરી રહેલા ટ્રકચાલક એસોસિયેશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ભચાઉ તાલુકાના સામખિયારી નેશનલ હાઈવે પર 500 જેટલા ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો હતો અને બસના કાચ ફોડ્યા હતા. ભચાઉ અને સામખિયાળી પોલીસે હળવો બળપ્રયોગ કરીને ટ્રકચાલકોને વિખેરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
મોટર વ્હીકલ એક્ટના નવા કાયદામાં રોડ પર અકસ્માત કરીને ભાગી વાહનચાલકો સામે આકરી જોગવાઈ કરવામાં આવી છે. રોડ અકસ્માત કરનારી કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને 10 વર્ષની સજા થશે, પરંતુ જો અકસ્માત સર્જનારી વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે. આ કાયદાના વિરોધમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રકચાલકો એકત્ર થયા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેથી ટ્રક એસોસિયેશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જોકે આ દરમિયાન હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
રાજકોટ ટ્રકચાલક એસોસિએશનના પ્રમુખ સુરસિંહ વાળાએ જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતનાં મોટાં વાહનો દ્વારા અકસ્માત સર્જાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવામાં ન આવે તો તે ટ્રકચાલક કે મોટા વાહનધારકો સામે રૂ.7 લાખનો દંડ અને 10 વર્ષની જેલની સજાનો કાયદો લાવવામાં આવ્યો છે. આ કાળો કાયદો છે, જેથી તેના વિરોધમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે.
આ ઉપરાંત ભચાઉ તાલુકાના સામખિયારી નેશનલ હાઈવે પર શનિવારે સવારના 10:30 વાગ્યાથી પરિવહન કરતા માલવાહક વાહનોના ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરાયો હતો. જેના કારણે બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રકડ્રાઇવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400થી 500 જેટલા ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી. ટ્રકચાલકોના કહેવા મુજબ ટ્રકચાલકો અકસ્માત વેળાએ જો સ્થળ પરથી ફરાર થશે તો દસ વર્ષની કેદની સજાની જોગવાઈની જાહેરાત કરવામાં આગી છે તેમજ આ પ્રકારના કેસમાં ગુનેગાર ઠરેલા ચાલકોને રૂ. 5થી 10 લાખની જોગવાઈ છે. ત્યારે અકસ્માત ઇરાદાપૂર્વક થતા નથી. મહિને રૂ. 10થી 15 હજારનું વેતન કમાતા ચાલકો આટલી મોટી રકમ દંડ ભરી શકે એ અશક્ય છે. સરકાર દ્વારા અકસ્માતના નવા કાયદા બનાવતાં પૂર્વે ફેરવિચાર કરવામાં આવે એવી માગ છે.