કોમન યુનિવર્સિટી એક્ટના વિરોધમાં વડોદરામાં ધરણાં યોજાયાં, 20મીએ અમદાવાદમાં મહાસંમેલન
વડોદરાઃ ગુજરાત વિધાનસભાના આગામી ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગે કાયદો ઘડવામાં આવશે. આ કાયદો અમલમાં આવતા તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા સમાપ્ત થઈ જશે. એવી દહેશત સાથે વિદ્યાર્થી સંગઠનો અને યુનિવર્સિટીઓના અધ્યાપકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી કોમન એક્ટના વિરોધમાં વડોદરાના સયાજીગંજ ખાતે ધરણાં-પ્રદર્શન યોજાયાં હતાં. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. સંગઠનોએ જણાવ્યું કે, એક્ટના પગલે યુનિવર્સિટીઓ સરકારી કચેરીઓમાં ફેરવાઈ જશે અને શિક્ષકો, સ્ટાફ બધા સરકારી કર્મચારીઓ બની જશે. હવે 20મીએ અમદાવાદમાં કોમન યુનિ.એક્ટના વિરોધમાં મહાસંમેલન યોજાશે.
ગુજરાત સરકાર દ્વારા અગાઉ પણ કોમન યુનિ. એક્ટ લાવવાના પ્રયાસો કરાયા હતા.2004માં પહેલીવાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાના પ્રયાસ સામે લડતમાં મ.સ. યુનિવર્સિટી કેન્દ્ર સ્થાને હતી અને સરકારને એક્ટ પાછો ખેંચવાની ફરજ પડી હતી. રવિવારે શહેરના ડેરી ડેન સર્કલ ખાતે ઓલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી, અભિવ્યક્તિની આઝાદી, બુટા અને બુસાના સંયુક્ત ઉપક્રમે કોમન યુનિવર્સિટી એક્ટના વિરોધમાં ધરણાં યોજાયાં હતાં, જેમાં પ્રો.આઇ.આઈ. પંડ્યા, પ્રો. હેમંતકુમાર શાહ, નરેન્દ્ર રાવત, પ્રો.ભરત મહેતા, અમી રાવત સહિત અધ્યાપકો, અગ્રણીઓ અને વિદ્યાર્થી જોડાયા હતા. કાર્યક્રમમાં દરેકનો સૂર એ હતો કે વિરોધનું આંદોલન લોકો સુધી લઈ જવું પડશે. આ સાથે કાર્યક્રમમાં જાહેરાત કરાઈ હતી કે, 20મી તારીખે અમદાવાદમાં કોમન યુનિવર્સિટી એક્ટના વિરોધમાં મહાસંમેલન યોજાશે. આ બિલના વિરોધમાં સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો
ગુજરાત સરકાર યુનિવર્સિટી કોમન એકટ લાવવા જઈ રહી છે ત્યારે આ એકટને લઈ ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યા છે. આ એકટથી યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થઈ જશે અને અધ્યાપકોની વાણી અને સ્વતંત્રતા છીનવાઈ જશે એવુ પ્રાધ્યાપકો કહી રહ્યા છે. આ કાયદાને લઈ વડોદરા શહેરના ડેરીડેન સર્કલ ખાતે ધરણાં કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદથી પ્રોફેસર, શિક્ષક, એસોસિએશન, વડોદરા વાલી મંડળ સેનેટ સભ્યો, નાગરિકો, ઓલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી, યુનિવર્સિટીના બુસા, બુટા સહિત વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને નાગરિકો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું.