સ્કૂલવાન માટે પ્રતિ કલાક 20 કિમીની ગતિ મર્યાદા નક્કી કરાતા વિરોધ, સ્પીડ લિમિટ વધારવા માગ
રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ તંત્ર વધુ એલર્ટ બન્યુ છે. દરમિયાન રાજ્ય સરકારની સુચના બાદ આરટીઓએ ગેરકાયદે ચાલતી સ્કૂલવાન અને રિક્ષાઓ સામે પણ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ઘણીબધી સ્કુલવાનો પાસે પરમિટ જ નથી. તેથી આરટીઓ કચેરીઓમાં પરમિટ કઢાવવા માટે સ્કૂલવાન ચાલકોનો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન આરટીઓ દ્વારા સ્કૂલવાનની સ્પીડ લિમિટ મહત્તમ પ્રતિ કલાક 20 કીમી નક્કી કરવામાં આવી છે. આરટીઓના આ નિર્ણય સામે સ્કૂલવાન ચાલકો નારાજ બન્યા છે. અને મહત્તમ પ્રતિ કલાક 40 કીંમીની સ્પીડ હોવી જોઈએ તેવી માગણી કરી રહ્યા છે. રાજકોટમાં સ્કુલવાન ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.
ગુજરાતમાં આવતીકાલે તા. 13મીથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આરટીઓએ સ્કૂલવાનમાં નિયત કરતા વધુ બાળકોને ન બેસાડવા તેમજ નિયમોનુસાર સ્કૂલવાન ચલાવવા સુચના આપવામાં આવી છે. ત્યારે કેટલી ત્રુટિઓને કારણે મૂંઝવણમાં મુકાયેલા રાજકોટના સ્કૂલવાન સંચાલકોએ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સ્કૂલવાન સંચાલકો બહાદુરસિંહ ગોહિલ, અજયભાઇ બોરીચા સહિતનાઓએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, શહેરમાં ત્રણ હજારથી વધુ સ્કૂલવાન દોડે છે. તકેદારીના ભાગ રૂપે તમામ વાનમાં ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા છે. સરકારની ગાઇડલાઇન મુજબ સ્કૂલવાનની ગતિ મર્યાદા 20 કિ.મી.ની છે. જે મર્યાદા અતિશયોક્તિ ભરેલી હોય તેને બદલે 40 કિ.મી. ગતિ મર્યાદા કરી આપવાની માગણી કરી છે. તદઉપરાંત 12 વર્ષથી અંદરના 14 બાળકને બેસાડવાનો નિયમ હોય અમદાવાદમાં સ્કૂલવાનમાં સીએનજી ટાંકી પર બાંકડો મૂકી બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને પગલે આરટીઓ તંત્ર દ્વારા સીએનજીની ટાંકી પર બાંકડો મૂકવા પર મનાઇ ફરમાવી છે. ત્યારે નવું શૈક્ષણિક સત્ર ટૂંકમાં શરૂ થવાનું હોવાથી તાત્કાલિક આ માગણીઓ મુદ્દે યોગ્ય કરવા જણાવાયું છે.