રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરોને ભગવો રંગ લગાવાતા વિરોધ, અંતે સફેદ કલર લગાવાયો
રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ સત્તાધારી પક્ષને વહાલા થવા માટે સ્ટ્રેચરોનો સફેદ રંગ બદલીને ભગવો રંગ લગાવાતા વિરોધ ઊભો થતાં આખરે ભગવો રંગ બદલીને ફરી સફેદ કલર કરવામાં આવ્યો છે. આ અંગે સ્પષ્ટતા કરતા ઇમર્જન્સી વિભાગના મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ જણાવ્યું હતું કે સ્ટ્રેચરનો કલર સફેદ હોવો જોઈએ, પરંતુ ઇમર્જન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચરની ઓળખ માટે કલર બદલવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીને લઇ જવા માટે વપરાતાં સ્ટ્રેચરને લઇ વિવાદમાં આવી છે, જેમાં બે દિવસની અંદર ઇમર્જન્સી વિભાગમાં એક બાદ એક સ્ટ્રેચરનો કલર બદલાવી સફેદના બદલે કેસરી કરી દેવામાં આવ્યો છે. જો કે આ કલર સ્ટ્રેચર ગુમ થઇ જતાં હોવાથી અલગ તરી આવે એ માટે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઈની પરવાનગી વગર કરી દેવામાં આવ્યાનો હોવાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. આ અંગે ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ જણાવ્યું હતું કે સ્ટ્રેચરનો કલર સફેદ હોવો જોઈએ, પરંતુ ઇમર્જન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચરની ઓળખ માટે કલર બદલવામાં આવ્યો છે. વારંવાર સ્ટ્રેચર ગુમ થઇ જતાં હોય છે, જેની અવારનવાર અમે ફરિયાદ કરી છે. જોકે કેસરી કલર યોગ્ય નથી, માટે અમે ફરી સફેદ કલર સ્ટ્રેચર પર કરવા સૂચના આપી છે.
સિવિલ હોસ્પિટલના ઓપીડીના કર્મચારીઓએ એવો બળાપો વ્યક્ત કર્યો હો કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડીમાં સ્ટાફની ખૂબ અછત છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી. ઇમર્જન્સી વિભાગમાં 3 મેડિકલ ઓફિસર, 3 પ્યૂન, 1 નર્સિંગ સ્ટાફ અને 1 ECG માટે ટેક્નિશિયન છે. જો કે સ્ટ્રેચરનો ભગવો રંગ કરવાને મામલે કર્મચારીઓને લૂલો બચાવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેસરી સ્ટ્રેચર અંગે વિવાદ સર્જાતાં હવે એના પર ફરી સફેદ કલર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.