રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવાની માંગણી, એક ડઝનથી વધુ શહેરોમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ
નવી દિલ્હી : ચીનમાં હાલમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી અને તિબેટ વિરોધી પોલિસીને લઈને લગભગ સમગ્ર દેશના વિવિધ ભાગોમાં વિરોધનો સૂર ફૂંકાઈ રહ્યો છે. શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં હમણાં અડધી રાત્રે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવી રહ્યા હતા. તેમના આ વિરોધ પ્રદર્શનના બે મૂળ કારણ હતા.
તિબેટમાં વિરોધનો અવાજ : જેમાં તિબેટના વિવિધ વિસ્તારોમાં ચીનથી આઝાદીનો તણખો હજી શમ્યો નથી. તિબેટમાં, લોકો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની નીતિની વિરુદ્ધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.
ઝીરો કોવિડ પોલિસી: ચીનના મોટા ભાગના શહેરોમાં આ વિરોધ ઝીરો કોવિડ પોલિસી વિરુદ્ધ છે. ચીનના ઘણાં શહેરોમાં લોકડાઉનને કારણે વેપાર પર ખરાબ અસર પડી રહી છે. આ વિરોધ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ગયા મહિને 20મી રાષ્ટ્રીય કોંગ્રેસ દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે શીની ત્રીજી ટર્મને ચાલુ રાખવાની મંજૂરી પર મહોર લગાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ તેમના રાજીનામાની માંગને લઈને કોમ્યુનિસ્ટ પાર્ટી પણ હચમચી ગઈ છે. જો કે, સરકારે લોકડાઉનને જરૂરી ગણાવ્યું છે અને કહ્યું છે કે તેના કારણે દેશમાં કોરોનાને કારણે માત્ર 6 હજાર મૃત્યુ થયા છે જ્યારે પશ્ચિમી દેશોમાં તેનો આંકડો લાખોમાં છે.
હેલ્થ કમિશને ફેરફારો કર્યા:
ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના વિરોધથી ચેતીને ચીનના નેશનલ હેલ્થ કમિશને પણ આ પોલિસીમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેમાં આઇસોલેશન સમય ઘટાડવાનો, તેને લગતા પ્રતિબંધોને હળવો કરવાનો સમાવેશ થાય છે. કમિશને 20 મુદ્દાનો કાર્યક્રમ પણ બહાર પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યાં શનિવારે દેશમાં કોરોનાના 30,000 કેસ નોંધાયા હતા, ત્યાં રવિવારે તેમનો આંકડો વધીને 40,000 થઈ ગયો હતો.
Xi ની નીતિઓની પ્રતિકૂળ અસર:
સરકારની નીતિ અને વધતા જતા કેસોએ ગુઆંગઝુ શહેર જેને દેશનું મેન્યુફેક્ચરિંગ હબ કહેવામાં આવે છે, તેને પણ અસર કરી છે. આ સિવાય તિયાનજિન, શિજિયાઝુઆંગ સહિત ડઝનબંધ શહેરોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ઝીરો કોવિડ પોલિસીનો વિરોધ કરવા માટે ઉરુમકી, ચીનની રાજધાની બેઇજિંગ, દેશના સૌથી મોટા શહેરો શાંઘાઈ, ચેંગડુ, શિયાન, વુહાન, ઝેંગઝુ, ગુઆંગઝૂમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
વિરોધી વ્યૂહરચના:
આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. રવિવારે પણ જ્યાં જ્યાં વિરોધ પ્રદર્શન થયા ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો યુનિફોર્મમાં અને ઘણા સાદા કપડામાં તૈનાત હતા. આ સિવાય અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ વિવિધ અખબારોમાં પ્રકાશિત થયા છે. આ તમામ વિરોધ પ્રદર્શનોની વિશેષતા એ હતી કે તેઓ રાષ્ટ્રપતિ શીના રાજીનામાની માંગ કરી રહ્યા હતા અને લોકડાઉન હટાવવાના નારા પણ લગાવી રહ્યા હતા.
વિરોધ ક્યારે શરુ થયો હતો?
ઝીરો કોવિડ પોલિસી સામે હવે ચીનમાં જે પ્રકારનો વિરોધ દેખાઈ રહ્યો છે તે ગયા મહિને પણ થયો હતો. 13, 14, 15, 18, 19 ઓક્ટોબર, 10, 12, 15, 16 નવેમ્બરના રોજ પણ આવો જ વિરોધ ઘણી જગ્યાએ થયો હતો. જોકે, આ વિરોધને ધ્યાનમાં રાખીને સરકાર સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે. ઉરુમકી વિરોધ સાથે સંબંધિત માહિતી સરકાર દ્વારા સોશિયલ મીડિયા પરથી ઝડપથી દૂર કરવામાં આવી હતી. આ વિરોધને રોકવા માટે સરકાર તમામ પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે.
(ફોટો: ફાઈલ)