Site icon Revoi.in

ગીર ઈકો સેન્સિટિવ ઝોન સામે અમરેલી, તેમજ સોરઠ પંથકમાં વિરોધ ઉગ્ર બન્યો

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાતમાં ગીર ઈકો સેન્સિટિવ ઝોનની જાહેરાત કરવામાં આવતા ત્રણ જિલ્લાના ખેડુતોમાં વિરોધ ઊભો થયો છે. ત્યારે ભાજપમાંથી પણ વિરોધનો સૂર ઊઠ્યો છે. ઇફકોના ચેરમેન અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ખૂલ્લેઆમ વિરોધ કરીને ઇકો ઝોનના મુદ્દે વન તંત્રને આડે હાથ લીધું છે અને તેમણે ગામેગામ લોકોને  વિરોધ કરવા આહ્વાન કર્યુ છે. તેમજ  ભાજપના વિસાવદરના  નેતા હર્ષદ રીબડીયાએ પણ વિરોધ કર્યો છે ઇકો ઝોનના કારણે ખેડુતો વન વિભાગના ગુલામ બની જશે તેવી ભીતિ વ્યકત કરી છે. ભારતીય કિસાન સંઘે પણ ખેડુતો માટે આંદોલનની તૈયારી દર્શાવી છે.

સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને તેની આસપાસના કેટલાક ક્ષેત્રોને ગીર ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરાતા સ્થાનિક ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. જુનાગઢ કિસાન સંઘ, અમરેલી અને ગીર સોમનાથ કિસાન સંઘના પ્રમુખે મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુને આ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું આવ્યું છે. જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતોની મૂશ્કેલીઓમાં વધારો થયો છે.  ગીર ઈકો સેન્સિટીવ ઝોન ઘોષિત થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ગીર ઈકો સેન્સિટીવ ઝોન માટે કેન્દ્ર સરકારના ગેઝેટ સામે અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ  જિલ્લામાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. અનેક ગામોના સરપંચોએ ઇકોઝોન વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો છે. અને 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી 15 દિવસ સુધી ઇકોઝોન નાબૂદી અભિયાન ચલાવવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી. આ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતોના ઠરાવો, વ્યક્તિગત વાંધા અરજી તેમજ ઇકોઝોન નાબુદીના બેનર સાથે ગરબા રમવાની જાહેરાત કરી હતી.

ઇકોઝોન નાબૂદ કરવા  માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખોએ લેટર લખતા આપ નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ મુદ્દે ભાજપમાં જ અસહમતી જોવા મળી રહી છે. તેમજ વધુમાં આપનેતા પ્રવીણ રામે જણાવ્યું કે જો ભાજપના પ્રમુખો જ ઇકોઝોન નાબૂદ કરવા માટે રજૂઆત કરતા હોય તો એમનો મતલબ કે આ કાયદો લોકોને નુકસાનકર્તા તો છે જ, ત્યારે ભાજપના નેતાઓની વાત માનીને સરકારે આ કાળા કાયદાને નાબૂદ કરવો જોઈએ.