જયપુરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર સાથે એક દિવસીય મુલાકાતે રાજસ્થાન પહોંચ્યા હતા. જયપુર એરપોર્ટ પર પહોંચતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને રાજસ્થાન સરકારમાં મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સેન્ટ્રલ શીપ એન્ડ વૂલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અવિકાનગર ગયા હતા, જ્યાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે ઉપરાષ્ટ્રપતિએ દેશના ખેડૂતોની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગ્રે ઉપરાષ્ટ્રપતિએ સેન્ટ્રલ શીપ એન્ડ વૂલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે G-20માં ભારતના વિકાસની ગતિ જોઈને દરેક સ્તબ્ધ છે. વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું છે કે ભારતમાં જે વિકાસ છેલ્લા 6 વર્ષમાં થયો છે તે 50 વર્ષમાં પણ થઈ શક્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, આમાં સૌથી મોટો ફાળો ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલી સંસ્થાઓનો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ખેડૂતોના કારણે દેશ છે. 1 એપ્રિલ, 2020 થી, 80 કરોડ લોકોને સરકાર તરફથી મફત ચોખા, ઘઉં અને દાળ મળી રહી છે. આ શક્તિ આપણા ખેડૂતોની છે અને અમને આ રાશન ખેડૂતોના કારણે જ મળી રહ્યું છે.
કૃષિમાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂકતાં ધનખરે જણાવ્યું હતું કે ભારતીય ખેડૂતે બદલાવની જરૂર છે અને આ પરિવર્તન આવી રહ્યું છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ દેશના કૃષિ વૈજ્ઞાનિકોને આ પરિવર્તનના ઉત્પ્રેરક બનવા આહ્વાન કર્યું હતું.