Site icon Revoi.in

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પરીક્ષામાં ચોરી સામે હવે આંકરો દંડ અને સજાની જોગવાઈ

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયા બાદ હવે આ એક્ટ મુજબ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ નિયમ પ્રમાણે હવે જો કોઈ પરીક્ષામાં ગેરરીતિ કરશે તો દંડની જોગવાઈમાં પણ પાંચ ઘણો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કોઈપણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં અભદ્ર ભાષા કે ધમકી આપશે તો યુનિવર્સિટી દ્વારા પોલીસ કેસ પણ કરવામાં આવશે.

રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન યુનિવર્સિટી એકટનો અમલ કરવામાં આવી રહ્યો છે. પ્રવેશથી લઈને કૂલપતિની નિમણૂંકો પણ સરકાર દ્વારા જ કરાશે. હવે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાશે તો સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં કાપલી, મોબાઈલ અથવા તો બુક સાથે પકડાઈ પણ ચૂક્યા છે. તો અનેકવાર પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીઓની આન્સરશીટ પણ મળી આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવહીમાં ચલણી નોટ પણ મૂકવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ ન કરે એ માટે કડક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ જોગવાઈને કારણે હવે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં પહેલાં 10 વાર વિચારશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતી પકડાય તો સજાની જે જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કાપલી, બુક અને મોબાઈલ સાથે પકડાય તો જે-તે વિષયની પરીક્ષા રદ થશે, 2500 રૂપિયા દંડ અને વિદ્યાર્થી આગામી વર્ષમાં પરીક્ષા આપી શકશે. તેમજ કાપલી બુક મોબાઇલમાંથી કોપી કરી હશે તો જે-તે વિષયની પરીક્ષા રદ થશે, 4000 રૂપિયા દંડ અને વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહી. જ્યારે અન્ય વિદ્યાર્થીની આન્સરશીટ મળી આવે તો જે-તે વિષયની પરીક્ષા રદ થશે, બંને વિદ્યાર્થીને 5000 રૂપિયા દંડ અને વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે તેમજ સામૂહિક ચોરી કરતાં વિદ્યાર્થીઓ પકડાય તો જે-તે વિષયની પરીક્ષા રદ થશે, તમામ વિદ્યાર્થીને 10,000 રૂપિયા દંડ અને વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહિ,

ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ 11 યુનિવર્સિટીમાં ગત 9મી ઓક્ટોબર, 2023થી ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ-2023′ લાગુ થયો હતો. તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે અને એનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે. આ સિવાય ડીનની મુદત જે 5 વર્ષની કરવામાં આવી હતી, એ ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે. આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટર કમિટી (FRC)નીમવી પડશે. સ્ટેચ્યુટ્સના આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘડવાના રહેશે.