Site icon Revoi.in

50 લાખ યુવાનો માટે સ્ટાઇપેન્ડની જોગવાઇ ઉપલબ્ધ કરવામાં આવી : PM મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘યુવા શક્તિનો ઉપયોગ – કૌશલ્ય અને શિક્ષણ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો તેમજ સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા અંદાજપત્ર પછી 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આજે ત્રીજો વેબિનાર યોજાયો હતો.

આ વેબિનારમાં ઉપસ્થિતોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના અમૃતકાળ દરમિયાન કૌશલ્ય અને શિક્ષણ એ બે મુખ્ય સાધનો છે અને યુવાનો જ એવો વર્ગ છે જેઓ વિકસિત ભારતની દૂરંદેશી સાથે સાથે દેશની અમૃત યાત્રાનું નેતૃત્વ કરી રહ્યાં છે. અમૃતકાળમાં રજૂ કરવામાં આવેલા પ્રથમ અંદાજપત્રમાં યુવાનો અને તેમના ભવિષ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તેના પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષનું અંદાજપત્ર શિક્ષણ પ્રણાલીને વધુ વ્યવહારુ અને ઉદ્યોગલક્ષી બનાવીને તેનો પાયો વધારે મજબૂત બનાવી રહ્યું છે. પીએમ મોદીએ વર્ષોથી શિક્ષણ પ્રણાલીમાં લવચિકતાના અભાવ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને પરિવર્તન લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “યુવાનોની યોગ્યતા અને ભવિષ્યની માંગ અનુસાર શિક્ષણ તેમજ કૌશલ્યનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિના ભાગ રૂપે શિક્ષણ અને કૌશલ્ય એમ બંને બાબતો પર સમાન રીતે ભાર આપવામાં આવી રહ્યો છે અને એ વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો કેં આ પગલાંને શિક્ષકો દ્વારા પણ સમર્થન મળ્યું છે. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, આ પગલું આપણા વિદ્યાર્થીઓને ભૂતકાળના નિયમોમાંથી બોજ મુક્ત કરતી વખતે સરકારને શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રમાં વધુ સુધારા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

તેમણે કોવિડ મહામારી દરમિયાન થયેલા અનુભવોની નોંધ લેતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી નવા પ્રકારના વર્ગખંડોનું નિર્માણ કરવામાં મદદરૂપ થઇ રહી છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે, સરકાર એવા સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે ‘જ્ઞાન માટે ગમે ત્યાં પહોંચ’ પ્રાપ્ત થાય તેવું સુનિશ્ચિત કરતા હોય અને 3 કરોડ સભ્યો સાથેના ઇ-લર્નિંગ પ્લેટફોર્મ સ્વયં (SWAYAM)નું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે વર્ચ્યુઅલ લેબોરેટરીઓ અને રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી જ્ઞાનનું વિશાળ માધ્યમ બની શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે DTH ચેનલો દ્વારા સ્થાનિક ભાષાઓમાં અભ્યાસ કરવાની તકનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, દેશમાં આવી ઘણી ડિજિટલ અને ટેક્નોલોજી આધારિત પહેલ ચાલી રહી છે જેને રાષ્ટ્રીય ડિજિટલ યુનિવર્સિટી તરફથી વધુ મજબૂતી પ્રાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આવા ભવિષ્યલક્ષી પગલાંઓ આપણા શિક્ષણ, કૌશલ્ય અને જ્ઞાન-વિજ્ઞાનના સમગ્ર અવકાશમાં પરિવર્તન લાવશે”. તેમણે કહ્યું હતું કે, “હવે આપણા શિક્ષકોની ભૂમિકા માત્ર વર્ગખંડ સુધી જ સિમિત નહીં રહે.” તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશભરની આપણી શૈક્ષણિક સંસ્થાઓ માટે વધુ વિવિધ પ્રકારની શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે જે ગામડા અને શહેરની શાળાઓ વચ્ચેના અંતરને દૂર કરવા સાથે શિક્ષકો માટે તકોના નવા દ્વાર ખોલશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓન-ધ-જોબ લર્નિંગ’ (નોકરી દરમિયાન અભ્યાસ) પર ઘણા દેશો દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવે છે નોંધ લીધી હતી અને આ બાબત પર પ્રકાશ પાડીને તેનાથી યુવાનોને ‘ક્લાસરૂમની બહાર એક્સપોઝર’ આપવા માટે કેન્દ્રિત ઇન્ટર્નશીપ અને એપ્રેન્ટિસશીપ પ્રદાન કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આજે રાષ્ટ્રીય ઇન્ટર્નશીપ પોર્ટલ પર લગભગ 75 હજાર નોકરીદાતાઓ છે જ્યાં અત્યાર સુધીમાં 25 લાખ ઇન્ટર્નશીપ માટેની આવશ્યકતાઓ પોસ્ટ કરવામાં આવી છે”. તેમણે ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓને આ પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે અને દેશમાં ઇન્ટર્નશીપની સંસ્કૃતિનું વધુ વિસ્તરણ કરવા માટે અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એપ્રેન્ટિસશીપથી આપણા યુવાનો ભવિષ્ય માટે તૈયાર થશે અને ભારતમાં એપ્રેન્ટિસશીપને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે, તેનાથી ઉદ્યોગોને યોગ્ય કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ઓળખ કરવામાં મદદ મળશે. આ વર્ષના અંદાજપત્ર પર પ્રકાશ પાડતા તેમણે રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ પ્રોત્સાહન યોજના હેઠળ લગભગ 50 લાખ યુવાનો માટે સ્ટાઇપેન્ડની જોગવાઇ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આમ કરવાથી એપ્રેન્ટિસશીપ માટેનો માહોલ તૈયાર થઇ રહ્યો છે અને ઉદ્યોગને ચુકવણીમાં પણ મદદ મળી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૌશલ્યવાન કાર્યબળની જરૂરિયાત પર ભાર મૂકતા, ખાસ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા અત્યારે ભારતને વિનિર્માણના હબ તરીકે જોઇ રહી છે અને દેશમાં રોકાણ કરવા અંગે વિશ્વભરના રોકાણકારોમાં જે ઉત્સાહ દેખાઇ રહ્યો છે તેની પણ તેમણે નોંધ લીધી હતી. આ વર્ષના અંદાજપત્રમાં કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે બાબતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેખાંકિત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૌશલ વિકાસ યોજના 4.0નો ઉલ્લેખ કર્યો હતો, જે આવનારા વર્ષોમાં લાખો યુવાનોમાં કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને ઉચ્ચ કૌશલ્ય લાવશે. તેમણે માહિતી આપી હતી કે, આ યોજના દ્વારા આદિવાસીઓ, દિવ્યાંગો અને મહિલાઓની જરૂરિયાતોને અનુરૂપ જરૂરિયાત આધારિત કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે પુનઃકૌશલ્ય પર વધુ ઊર્જા અને સંસાધનો ખર્ચ કર્યા વિના પ્રતિભા શોધવાનું સરળ બને તે માટે તેમણે AI, રોબોટિક્સ, IoT અને ડ્રોન જેવા ઇન્ડસ્ટ્રી 4.0 ક્ષેત્રો માટે કૌશલ્યવાન કાર્યબળનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે પણ ભાર મૂક્યો હતો. પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનું ઉદાહરણ પણ આપ્યું હતું, જેમાં પરંપરાગત કારીગરો, હસ્તકલાકારો અને કલાકારોના કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવે છે, જેથી તેઓને નવા બજાર માટે તૈયાર કરી શકાય અને તેમના ઉત્પાદનોની વધુ સારી કિંમતો મેળવવામાં પણ મદદ મળે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા ઝડપી પરિવર્તનમાં શિક્ષણવિદો અને ઉદ્યોગોની ભૂમિકા તેમજ તેમની ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ બાબતને રેખાંકિત કરી હતી કે, જ્યારે સંશોધન ઉદ્યોગમાંથી પર્યાપ્ત ભંડોળ માટે પણ અવકાશ બનાવવામાં આવશે ત્યારે બજારની જરૂરિયાતો અનુસાર સંશોધન શક્ય બનશે. આ વર્ષના અંદાજપત્ર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ AI માટે 3 ઉત્કૃષ્ટતા કેન્દ્રોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે કેન્દ્રો ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હવે મેડિકલ કોલેજો અને ખાનગી ક્ષેત્રની સંશોધન અને વિકાસ ટીમોને ICMR લેબ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાનગી ક્ષેત્રને દેશમાં સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે આવા દરેક પગલાંનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર દ્વારા અપનાવવામાં આવેલા ‘સંપૂર્ણ સરકાર’ના અભિગમ પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ અને કૌશલ્ય માત્ર સંબંધિત મંત્રાલય કે વિભાગ પૂરતાં સિમિત નથી પરંતુ તેની સંભાવનાઓ દરેક ક્ષેત્રમાં રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૌશલ્ય અને શિક્ષણ સંબંધિત હિતધારકોને વિવિધ ક્ષેત્રોમાં આવી રહેલી આ તકોનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો અને જરૂરી કાર્યબળનું સર્જન કરવામાં મદદરૂપ થવા માટે કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ઝડપથી વિસ્તરણ પામી રહેલા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનું ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે, તે રોજગારના વિશાળ સ્રોતો માટે દ્વાર ખોલીને ભારતમાં પ્રવાસ અને પર્યટન ઉદ્યોગ વૃદ્ધિ પામી રહ્યા હોવાનું બતાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ હેઠળ તાલીમ મેળવનારા યુવાનોનો અપડેટેડ ડેટાબેઝ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે એ બાબત પર ભાર મૂક્યો હતો કે, ડિજિટલ ટેક્નોલોજી અને AIના આગમન પછી ભારતના તાલીમબદ્ઘ કર્મચારીઓએ પાછળ ન રહેવું જોઇએ અને ઉદ્યોગ નિષ્ણાતોને આ દિશામાં કામ કરવાનો અનુરોધ કર્યો હતો.