Site icon Revoi.in

PSIની પ્રીલિમીનરી પરીક્ષા 6ઠ્ઠી માર્ચના રોજ લેવાશે, 2.50 લાખ ઉમેદવારો કસોટી આપશે

Social Share

અમદાવાદઃ યુવાનોમાં પોલીસમાં ભરતી થવાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળ્યો છે. પોલીસમાં ભરતી થવા માટે શારિરીક કસોટીમાં ઉતિર્ણ થવા માટે આ વખતે યુવાનોએ ભારે મહેનત કરી હતી. ગામેગામ દોડ માટે યુવાનો પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. PSI અને LRD માટેની શારીરિક કસોટી હાલ 29મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ. જ્યારે હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. PSIની લેખિત પરીક્ષા 6 માર્ચ 2022ના રોજ યોજાશે. PSI ભરતી બોર્ડના ચેરમેન દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  PSIની ભરતી માટેની વેબસાઈટ https://psirbgujarat2021.in/ પર પણ આ માહિતી આપવામાં આવી છે. જે મુજબ, પો.સ.ઇ. કેડરની શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલા તમામ ઉમેદવારોની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.6/3/2022ને રવિવારના રોજ કરવામાં આવશે. પ્રીલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,  PSI અને LRD બંનેની શારીરિક કસોટી વારાફરતી યોજાઈ હતી. જેમાં 3 ડિસેમ્બરથી શરૂ થયેલી આ પરીક્ષા 29 જાન્યુઆરી સુધી ચાલી હતી. જેમાં PSI માટે 4.50 લાખમાંથી 2.50 લાખ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. હવે આ ઉમેદવારો માર્ચ મહિનામાં યોજાનારી લેખિત કસોટી માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.