અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં તાજેતરમાં જન્મેલુ બાળક કોઈ હલન-ચલન નહીં કરતા પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તબીબોએ તપાસ બાદ નવજાત બાળકને બ્રેઈનડેડ જાહેર કર્યું હતું. જે બાદ માતા-પિતાએ બાળકના અંગ દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તબીબોએ અંગોનું દાન મેળવ્યું હતું. બાળકની બે કીડની, બે આંખ, અને લીવરનું દાન કરાયું હતું. નવજાત બાળકના અંગદાનથી અનેક વ્યક્તિઓને નવજીવન મેળશે.
ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર ડોય યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે તા. 13મી ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તબીબ દ્વારા બાળકની તપાસ કર્યા બાદ બાળકને બ્રેંનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકોનાં અંગોનું પણ દાન થઈ શકે એવો દાખલો સંઘાણી પરિવારે સમાજને આપ્યો છે. અંગદાન ક્ષેત્રે સતત સાતત્ય પૂર્ણ પ્રયત્ન અને પ્રવૃતિને કારણે આવેલી જાગૃતિના કારણે જ માત્ર પાંચ દિવસના બાળકના અંગોનું દાન થઈ શક્યું છે. બાળકના પરિવારની સુરત ખાતે આજરોજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી દ્વારા મુલાકાત કરી હતી.આ પ્રસંગે સુરત શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, શહેર મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.