Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજવા માટે રૂપાણીનું રાજીનામું લેવાયાની લોકચર્ચા

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપતા હવે ગુજરાતના નવા સુકાની કોણ બનશે તેની રાજકીય આગેવાનો સહિત લોકોમાં ભારે ચર્ચા થવા લાગી છે. લોકો પોતપોતાની રીતે નામો વહેતા કરીને તુક્કા લગાવી રહ્યા છે. બીજીબાજુ સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ગુજરાત સરકારની આગામી નવેમ્બર-2022 માં મૂદત થાય છે. ત્યારે ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી જાહેર કરીને ભાજપનું હાઈકમાન્ડ માસ્ટરસ્ટોક મારી શકે છે. જો કે હાલ રાજકીય નેતાઓમાં પણ જો અને તોની ચર્ચા ચાલી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે,આગામી ફેબ્રુઆરી-2022માં જ ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતની પણ ચુંટણી યોજવામાં આવે તો નવાઈ નહીં. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ કોરોનાની બીજી લહેર દરમિયાન ઊભી થયેલી સંકટની સ્થિતિ બાદ પ્રજાનો મૂડ જાણવા માટે ભાજપે ખાનગી સર્વે કરાવ્યો હતો. જેમાં હાલની રાજકીય પરિસ્થિતિમાં વહેલી  ચૂંટણી યોજવાની પણ એક વ્યૂહાત્મક ગણતરી પણ કરવામાં આવી રહી હોય એવું કેટલાક લોકોને લાગી રહ્યું છે.

રાજકીય નેતાઓમાં એવી પણ ચર્ચા ચાલે છે કે, ભાજપના આંતરિક સર્વે દરમિયાન એવું પણ એક મુખ્ય તારણ બહાર આવ્યું હતું કે, આજની સ્થિતિમાં કોંગ્રેસમાં હજુ સંગઠન,સંકલન અને સક્રિયતાનો અભાવ દેખાય છે. કૉંગ્રેસ હજુ આંતરિક લડાઈમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ જો વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં સમયસર યોજવામાં આવે તો, ત્યાં સુધી આપ ગુજરાતમાં ફરી વળે અને ચોક્કસ નેતાઓ સાથે સંગઠન મજબૂત બનાવી દે તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીનો પણ મુકાબલો કરવો પડે તેમ જ છે, હાલ આપનું હજુ જોઈએ એટલું વર્ચસ્વ નથી કે નથી કોઈ મોટો ચેહરો જેના સહારે ચૂંટણી લડી શકે, જો આમ આદમી પાર્ટી ને તક આપવામાં આવે તો તે ભાજપ માટે નુકશાનકર્તા બની શકે છે. આમ, ગુજરાતમાં હાલ ભાજપના વિરોધી એવા કોંગ્રેસ અને આમ આદમીની પરિસ્થિતિ હજુ મજબૂત નથી, આવા સમયે જો ઉત્તરપ્રદેશ ની સાથે જ ફેબ્રુઆરીમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપની જીત સરળ પણ બની શકે અને ભાજપ પ્રમુખ નો 150 થી વધુ બેઠકો મેળવવાનો ટાર્ગેટ પૂરો થઈ શકે છે.ગુજરાતમાં ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી હોવા છતાં પણ ભાજપે ચૂંટણી લક્ષી કાર્યક્રમો અને સંગઠન ને મજબૂત બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે, ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને ચૂંટણીની વ્યૂહરચના પણ ઘડી રહયા હોવાની ચર્ચા છે. જોકે આવતી કાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.