રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે જનસંપર્ક વધારી દીધો છે. ભાજપ દ્વારા જ તાજેતરમાં ખાતમુહૂર્ત,લોકાર્પણ, જ્ઞાન દિવસ, મુખ્યમંત્રીનો જન્મદિવસ, વૃક્ષારોપણ, રોજગાર દિવસ, શહેરીજન સુખાકારી દિવસ, સ્વાતંય પર્વ, જન આશીર્વાદ યાત્રા, મહાપાલિકા અને રૂડાના કરોડોના કામોનું ખાતમુહર્ત–લોકાર્પણ, મહાનુભાવોનું આવાગમન અને વોર્ડવાઈઝ કાર્યક્રમો યોજ્યા હતા.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન, રૂડા અને રાજકોટ શહેર ભાજપ સહિતના સંયુકત ઉપક્રમે ચાલુ ઓગસ્ટ મહિનાના 21 દિવસમાંથી 12 દિવસ સુધી લગાતાર જે રીતે વોર્ડ વાઈઝ, ઝોન વાઈઝ અને વિધાનસભા મત વિસ્તાર કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તે જોતા હવે ભારતીય જનતા પાર્ટી ઈલેકશન મોડમાં આવી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન સ્તરના સ્થાનિક કાર્યક્રમો, સરકારી કાર્યક્રમો અને પક્ષના કાર્યક્રમોની જે રીતે વણઝાર ચાલી રહી છે તે જોતા હવે મિશન–2022 વ્હેલું શરૂ થઈ ગયાનું મનાઈ રહ્યું છે. એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે, જે રીતે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે જોતા કદાચ ચૂંટણી વહેલી આવે તો પણ નવાઈ નથી! છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં કદાચ પ્રથમવાર એવું બન્યું છે કે, 21 દિવસમાં 12 મોટા કાર્યક્રમો યોજાયા હોય! આ એક નિર્દેશ સમાન ઘટનાક્રમ છે તેમ કહીએ તો અતિશયોકિત નથી.
મુખ્યમંત્રીપદે વિજયભાઈ રૂપાણીને પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી તા.1થી 9મી ઓગસ્ટ સુધી ચાલી જેમાં મ્યુનિ.કોર્પોરેશન –રૂડાનાં વિવિધ વિકાસકામોનાં લોકાર્પણ અને ખાત મુહૂર્તના અનેક કાયક્રમો યોજાયા. તા.1લી ઓગસ્ટે જ્ઞાન દિવસની ઉજવણી કરાઈ, તા.2જી ઓગસ્ટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની સેવામય પરંતુ અભૂતપૂર્વ રીતે વોર્ડવાઈઝ અને વિવિધ મોરચા દ્વારા ઉજવણી કરાઈ. ત્યારબાદ તા.3જીથી 9મી ઓગસ્ટ દરમિયાન રોજગાર દિવસ, વિકાસ દિવસ, વૃક્ષારોપણ, શહેરીજન સુખાકારી દિવસ સહિતના દિવસોમાં મહાપાલિકા–રૂડા અને શહેર ભાજપ દ્રારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા. સુશાસનના પાંચ વર્ષની પૂર્ણાહતિ પ્રસંગે સેવા યજ્ઞ સ્વરૂપે એક સાહ સુધી ઉજવણી ચાલી તે પૂર્ણ થઈ ત્યાં 15મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની શ્રૃંખલા યોજાઈ.
સ્વાતંય પર્વની ઉજવણી પૂર્ણ થયા બાદ તા.19,20,21ના ત્રણ દિવસ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા યોજાઈ. આ મુજબ છેલ્લા 21 દિવસમાં લગાતાર 12 દિવસ સુધી કાર્યક્રમો યોજાયા છે તે જોતા હવે રાજકીય કાર્યકરો અને આગેવાનો તેમજ નગર સેવકો પણ એવું અનુમાન કરવા લાગ્યા છે કે કદાચ ચૂંટણી વહેલી આવી શકે! ખાસ કરીને જન આશીર્વાદ યાત્રાના ભવ્ય સ્વાગત માટે જે રીતે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વોર્ડવાઈઝ કાર્યક્રમો કરાયા, બેનર–પોસ્ટર લગાવાયા, ચોકેચોકમાં ડાયસ બનાવી સામૈયા કરાવવા નગરસેવકોને દોડાવાયા તે જોતા આ યાત્રા જાણે ચૂંટણી પૂર્વેની એકસરસાઈઝ સમાન હોય અને અંડર કરંટનું ટેસ્ટિંગ થઈ રહ્યું હોય તેવું જણાય છે. માર્ચ–2019માં કોરોના આવ્યા બાદના દોઢ વર્ષ પછી પ્રથમવાર આ પ્રકારે કાર્યક્રમોની વણઝાર યોજાઈ છે. આગામી દિવસોમાં હજુ વધુ કાર્યક્રમો આવી રહ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.