અમદાવાદમાં હવે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તેવી જગ્યાઓ થઈ રહી છે બંધ
અમદાવાદઃ કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા હવે અમદાવાદ શહેરમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે તેવી જગ્યાઓ ધીરે-ધીરે બંધ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થવાનો શહેરીજનોને ડર સતાવી રહ્યો છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા ભીડવાળી જગાએ amc દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે અને ભીડ ઓછી કરાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસ ફરી એકવાર એક હજારનો પાર પહોંચ્યાં છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1122 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગુજરાતમાં કોરોનાએ અજગર ભરડો લેતા તંત્ર સફાળુ જાગ્યું છે. અમદાવાદમાં આજથી તમામ પાર્ક અને ગાર્ડન, રિવરફ્રન્ટ બંઘ કરાયા છે. આ ઉપરાંત જીમ, તમામ સ્પોર્ટસ કબલ અને ગેમ ઝોન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રિવરફ્રન્ટના તમામ પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બંને તરફના લોઅર પ્રોમીનાડ પણ બંધ કરાયા છે. વોકિંગ અને સાયકલિંગ માટે વોકવે બંધ કરાયો છે. નવો આદેશ ના આવે ત્યાં સુધી આ તમામ જગ્યાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે.
શહેરમાં કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. નવા 35 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અગાઉના 5 વિસ્તારો દૂર કરવામા આવ્યા છે. આ સાથે જ શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 90 પર પહોંચી ગઈ છે.