Site icon Revoi.in

પબ્લિક યુનિ. એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ તેમજ જ્ઞાન સહાયક ભરતી મુદ્દે ABVP આંદોલન કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં જ પબ્લિક યુનિવર્સિટી એક્ટના બીલને મંજુરી આપવામાં આવી છે. આ કાયદાથી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં સેનેટને કોઈ સ્થાન મળશે નહીં એટલે કે વિદ્યાર્થી પ્રતિનિધિત્વને કોઈ સ્થાન રહેશે નહીં. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેના લીધે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનું કાયમી ભરતીનું સ્વપ્ન રોળાઈ ગયું છે. આથી ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પબ્લિક યુનિ એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વને સ્થાન આપવા તેમજ જ્ઞાન સહાયકોની ભરતીને સ્થાને વિદ્યાસહાયકોની કાયમી ભરતી કરવાની માગ કરી છે અને આ મુદ્દે લડત પણ કરાશે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પબ્લિક યુનિવર્સિટી એક્ટ અને જ્ઞાન સહાયકની ભરતી મામલે સરકાર સામે આંદોલન કરશે. પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી સંગઠનને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. તેમજ ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કરાર આધારીત જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવશે જેના વિરોધમાં સરકાર સામે આંદોલન કરવામાં આવશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કારોબારી બેઠક તાજેતરમાં  મળી હતી. આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કરીને કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે. પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજવાનો ઠરાવ નથી. ટેટના ઉમેદવારોના પ્રશ્ન તથા રાજ્યભરની સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સ્થિતિને લઈને તે દિશામાં કામ કરવામાં આવશે. શરૂઆતના તબક્કે બંને મુદ્દે માગણીઓ કરી રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ABVPના પ્રદેશ મંત્રી યુતિ ગજેરાએ જણાવ્યું હતું કે, પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. યુનિવર્સિટીના પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓ તરફથી નાનામાં નાની રજૂઆત વિદ્યાર્થી સંઘ દ્વારા જ કરવામાં આવી શકે છે. વિદ્યાર્થી સંઘનું અસ્તિત્વ હશે તો પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ ઉપરાંત ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોની કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે, પરંતુ કરાર આધારિત ભરતી કરવી અયોગ્ય છે.

તેમણે ઉમેર્યું હતું કે, જ્ઞાન સહાયક યોજના અંગે એબીવીપી દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને સરકાર સુધી આવેદન આપ્યું હતું. ત્યારે હવે આગામી દિવસોમાં  જે રજૂઆત કરી તેનો જવાબ મેળવવા  જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણાં કરીશું. જવાબ મળ્યા બાદ આગળના કાર્યક્રમ તરફ વધીશું. આ ઉપરાંત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મામલે પણ અમે સરકારને રજૂઆત કરીશું.