- ભાડાપટ્ટે મળેલી જમીન પર સ્કૂલ શરુ કરાઈ હતી,
- શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરાશે,
- શાળા માટે 1992માં 15 વર્ષની લીઝ પર જમીન આપવામાં આવી હતી.
અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી પુલકિત પ્રાથમિક સ્કૂલને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992માં 15 વર્ષ માટે ભાડાપટ્ટેથી અપાયેલી જમીન પરત લઈ લેવામાં આવતા હવે સ્કૂલ બંધ થશે અને શહેર ડીઈઓ દ્વારા તપાસ રિપોર્ટના આધારે હવે આ સ્કૂલમાં ભણતા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટેની પ્રક્રિયા કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા જમ્સિન એજ્યુકેશન ટ્રસ્ટને વર્ષ 1992માં 15 વર્ષના ભાડાપટ્ટેથી જમીન સ્કૂલ માટે આપવામાં આવી હતી. આ જમીન પર ગુજરાત બોર્ડ સંલગ્ન પુલકિત પ્રાથમિક સ્કૂલ શરૂ કરાઈ હતી. કલેકટર કચેરી દ્વારા 15 વર્ષનો ભાડા પટ્ટે જમીનનો કરાર 2007માં પૂર્ણ કરી દેવામા આવ્યો હતો. જો કે તે સમયે ટ્રસ્ટ દ્વારા કરાર લંબાવવા માટે અરજી કરાઈ હતી. જે 2010ના વર્ષમાં નામંજૂર થઈ હતી.પરંતુ ત્યારથી છેલ્લા અનેક વર્ષોથી પ્રક્રિયા જ ચાલતી હતી અને નવેમ્બર 2023માં ટ્રસ્ટને અનઅધિકૃત ભોગવટાને દૂર કરવા તેમજ તમામ મિલકત બોજા રહિત સોંપવા માટે હુકમ કરાયો હતો. જો કે સરકારની જમીન છતાં જમીનનો કબ્જો લેવામાં અનેક વર્ષોનો વિલંબ થયો હતો. જો કે બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ કલેકટરના આદેશ સામે મહેસૂલ વિભાગમાં અપીલ કરી હતી.પરંતુ તે અપીલ અરજી પાછી ખેંચી લેવાઈ હતી અને સરકારના નિયમ પ્રમાણે આરટીઈ એક્ટ હેઠળ શહેર ડીઈઓ દ્વારા કમિટી રચાઈ હતી અને જેના દ્વારા સ્કૂલમાં સ્થળ તપાસથી માંડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા પણ કરાઈ હતી.
શહેર ડીઈઓના જણાવ્યા મુજબ તપાસ કમિટીનો રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટના આધારે અંતે હવે સ્કૂલને બંધ કરવાનો પણ ઓર્ડર કરાશે. આ સ્કૂલમાં વિવિધ વર્ગોમાં ભણતા 250થી વઘુ બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની પણ પ્રક્રિયા કરાશે.