Site icon Revoi.in

પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત ફોટો જર્નાલિસ્ટ સનાને દિલ્હી એરપોર્ટ પર વિદેશ જવાથી અટકાવી, જાણો શું છે કારણ

Social Share

દિલ્હી:પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂને શનિવારે નવી દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ વિદેશ જતા અટકાવ્યા હતા.અધિકારીઓએ આ માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પત્રકાર પર લાદવામાં આવેલા પ્રતિબંધોને ટાંક્યા હતા.

સના ઇર્શાદ મટ્ટૂએ આ ઘટના પર ટ્વિટ કરીને કહ્યું કે આજે જે પણ થયું તે સંપૂર્ણપણે અનપેક્ષિત હતું. તેણે લખ્યું કે સેરેન્ડિપિટી આર્લ્સ ગ્રાન્ટ 2020ના 10 પુરસ્કારોમાંના એક તરીકે, મારે એક પુસ્તક વિમોચન અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે દિલ્હીથી પેરિસ જવાનું હતું.

તેણે લખ્યું કે ફ્રેન્ચ વિઝા હોવા છતાં મને દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન ડેસ્ક પર રોકવામાં આવી. સનાએ ટ્વિટર પર તેના રદ કરાયેલા બોર્ડિંગ પાસની તસવીર પણ પોસ્ટ કરી હતી અને તેની સાથે લખ્યું હતું કે,મને રોકવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી.માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમે વિદેશ પ્રવાસ નહીં કરી શકો.

જો કે આ મામલે રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.તે જ સમયે, J&K પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે,સના મટ્ટૂને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવી છે, તેથી તેને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રહેતી 28 વર્ષીય સના ઇર્શાદ મટ્ટૂ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ માટે ફોટોગ્રાફીનું કામ કરે છે. સનાને 2022માં પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ પહેલા પણ પત્રકાર ગૌહર ગિલાનીને સપ્ટેમ્બર 2019માં જર્મની જતી વખતે દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ રોકી હતી.