પુલિત્ઝર જીતનાર ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા, તાલિબાન હિંસાનું કરી રહ્યા હતા કવરેજ
- ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દિકીની હત્યા
- અફઘાનિસ્તાનના કંધારમાં કરી રહ્યા હતા કવરેજ
- પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા
દિલ્હી : અફઘાનિસ્તાનના કંધારમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. તે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સ માટે કામ કરી રહ્યા હતા. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, સિદ્દીકીનું મોત સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયું છે. જે કંધાર પ્રાંતમાં સ્થિત છે. અત્યારે આ સમયે અહીં ભીષણ હિંસા ચાલી રહી છે. સિદ્દીકી છેલ્લા કેટલાક દિવસથી કંધારની પરિસ્થિતિને કવરેજ કરી રહ્યા હતા.
તેણે ટેલિવિઝનના ન્યૂઝ સંવાદદાતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં તે ફોટો જર્નાલિસ્ટ બન્યા. વર્ષ 2018 માં સિદ્દીકી તેના સાથીદાર અદનાન આબીદી સાથે મળીને પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા. તેમણે રોહિંગ્યા શરણાર્થી સંકટને આવરી લીધું હતું. તે જ સમયે, તે કંધારમાં ચાલી રહેલી હિંસાના કવરેજને લગતી માહિતી સતત તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી રહ્યા હતા. 13 જૂને તેમણે માહિતી આપી હતી કે, તે જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેના ઉપર અનેક હથિયારો વડે હુમલો થયો હતો. સિદ્દીકીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘હું ભાગ્યશાળી છું કે હું સુરક્ષિત છું અને મેં એક રોકેટને આર્મરની પ્લેટ પરથી જતા જોયું.
મળતી માહિતી મુજબ, જ્યારે તાલિબાન અને અફઘાન સરકારની સુરક્ષા દળો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ડેનિશ સિદ્દીકીનું મોત નીપજ્યું હતું. જે યુદ્ધ હજુ ચાલુ છે. વિદેશી સૈનિકો 20 વર્ષની લડત પછી અફઘાનિસ્તાન છોડી રહ્યા છે, જેને તાલિબાન એક વિજય તરીકે જુએ છે અને દેશના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભાગોને કબજે કરવાનું ચાલુ રાખે છે. ભૂતકાળમાં તાલિબાનો દાવો કરે છે કે તેઓએ દેશના 85 ટકા ભાગને કબજે કર્યો છે.