પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલો હુમલો બેહદ ઘૃણિત છે. તેઓ આ કાયરતાપૂર્ણ હુમલાની કઠોર નિંદા કરે છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. આખો દેશ શહીદોના પરિવારો સાથે ખભેખભો મિલાવીને ઉભો છે. તેમણે ટ્વિટમાં ઈજાગ્રસ્તોના ઝડપથી ઠીક થવાની પ્રાર્થના પણ કરી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ છે કે તેમણે આ મામલામાં સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ અને ગૃહ પ્રધાન રાજનાથસિંહની સાથે આખા મામલાની વિગતવાર જાણકારી લીધી છે.
પુલવામા એટેક બાદ કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં આવી ચુકી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, સીઆરપીએફના ડીજી આર. આર. ભટનાગર સાથે વાતચીત કરી છે. રાજનાથસિંહે પટના રેલીને રદ્દ કરીને કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી આખા ઘટનાક્રમની જાણકારી પણ મેળવી છે. ડોભાલ આખા મામલા પર નજર રાખી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ ટ્વિટ કરીને હુમલાને વખોડયો છે. તેની સાથે જ તેમણે કહ્યુ છે કે આ હુમલાનો બદલો લેવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે સાંજે એક મોટા આતંકી હુમલામાં 30 જવાનો શહીદ થયા છે. શહીદ જવાનોની સંખ્યામાં વધારો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે.
ઉરીમાં સપ્ટેમ્બર-2016મા થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં આ સુરક્ષાદળો પર અત્યાર સુધીમાં સૌથી મોટો આતંકવાદી હુમલો છે. ગુરુવારે શ્રીનગર-જમ્મુ હાઈવે પર આવેલા અવંતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યો હતો.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. જણાવવામાં આવે છે કે આદિલ અહમદ ડાર નામના આતંકવાદીએ આ કાફલા પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આદિલ પુલવામાના કાકાપોરા વિસ્તારનો વતની છે. અંગ્રેજી ન્યૂઝચેનલના અહેવાલ મુજબ, ગુરુવારે સાંજ સીઆરપીએફના જવાનો પર અવંતિપોરાના ગરીપોરા નજીક હુમલો કરવામાં આવ્યો હતો.