Site icon Revoi.in

ગીરનાર પર્વત ઉપર ગંદકી કરનાર સામે દંડાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર ગંદકીને લઈને રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. હવે ગીરનાર પર્વત ઉપર મંદિરની આસપાસ ગંદકી કરનારની સામે દંડાત્મક કાર્યવાહી કરવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પર્વત ઉપર ગંદકીને અટકાવવા માટે 100 પગથિયાના અંતરે પોલીસ કર્મચારી અને સફાઈ કર્મચારી તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ડસ્ટબિન પણ મુકવામાં આવશે.

કેસની હકીકત અનુસાર ગીરનાર પર્વત ઉપર ગંદકીને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ગિરનાર પર ફરવા માટે આવતા મુલાકાતીઓના આરોગ્યને ધ્યાને રાખી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ગીરનાર પર્વત પર ગંદકીના કારણે પર્યાવરણને નુકસાન થતુ હોવાની ફરિયાદ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. ગંદકી મુદ્દે હાઈકોર્ટે શબરીમાલા, વૈષ્ણૌદેવી મંદિરની સ્વચ્છતા પરથી બોધપાઠ લેવા પણ ટકોર કરી છે.

રાજ્યની વડી અદાલતે કહ્યું હતું કે, પર્વત પર આવેલા મંદિરોની આસપાસ ગંદકી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. ગંદકી કરનારાને દંડ કરાશે અને આવા લોકો સામે ક્રિમીનલ પ્રોસિક્યુશન થશે. એટલું જ નહીં પર્વત પર દર 100 પગથીયા પર પોલીસકર્મી અને સફાઈકર્મી હાજર રહેશે. આ ઉપરાંત વિવિધ સ્થળો ઉપર ડસ્ટબીન અને સાઈન બોર્ડ મુકાશે જેથી આવનારા લોકો ગંદકી ન કરે.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારનું નોટિફિકેશન રેકોર્ડ પર મુકાયુ હતુ. જેમાં અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉત્પાદન, પેદાશ અને ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ ગમે ત્યા પ્લાસ્ટિકના રેપર કે કચરો ફેંકવા પર પ્રતિબંધ ફરમાવાયોનો ઉલ્લેખ કરાયો છે