પંજાબઃ હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 10ની ધરપકડ
હરિયાણાઃ પંજાબ પોલીસે હથિયારોની દાણચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તેમજ મધ્યપ્રદેશના એક હથિયાર ઉત્પાદક સહિત દસ લોકોની ધરપકડ કરીને આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે આરોપીઓ પાસેથી કુલ 22 હથિયારો મળી આવ્યા છે.
ડીજીપી ગૌરવ યાદવે ટ્વિટર પર લખ્યું, “પોલીસે મધ્યપ્રદેશથી સંચાલિત આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના રેકેટ અને હથિયારો સપ્લાય કરતી બે દાણચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. મધ્યપ્રદેશના હથિયાર ઉત્પાદક સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 22 હથિયારો મળી આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ, પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની ડ્રગની દાણચોરી પર પ્રતિક્રિયા આવી હતી. તેમણે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકારે સરહદી વિસ્તારોમાં ડ્રગ સ્મગલરો મામલે બીએસએફની ભલામણ સ્વીકારવી જોઈએ. રાજ્યપાલે કહ્યું કે AAP સરકારે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે દરેક ગામમાં ગ્રામ સંરક્ષણ સમિતિઓની રચના કરવી જોઈએ.
બીએસએફની ભલામણ અંગેના પ્રશ્નના જવાબમાં પુરોહિતે કહ્યું, “બીએસએફ દ્વારા કરાયેલી ભલામણ વાજબી છે અને તેનું પાલન કરવું જોઈએ. રાજ્યપાલે કહ્યું કે જો આમ નહીં કરવામાં આવે તો તે મોટી ભૂલ હશે. BSFના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ, વેસ્ટર્ન કમાન્ડ, યોગેશ બહાદુર ખુરાનિયાએ કહ્યું હતું કે તેમના દળોએ પંજાબ સરકારને સરહદી વિસ્તારોમાં ડ્રગની દાણચોરીના રીઢો ગુનેગારોની નિવારક કસ્ટડીમાં લેવાની ભલામણ કરી છે.