નવી દિલ્હીઃ પંજાબમાં 117 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી મોટી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે. બીજી તરફ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પંજાબના મુખ્યમંત્રી ચન્ની બે બેઠકો ઉપરથી ચૂંટણી લડ્યાં હતા. આ બંને બેઠકો ઉપર તેમનો પરાજય થયો છે. આવી જ રીતે કોંગ્રેસના સિનિયર નેતા નવજોતસિંહ સિદ્ધને પણ પરાજ્યનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ ઉપરાંત અકાલી દળના વિક્રમસિંહ મજીઠિયા અને સુખબીર બાદલનો પણ પરાજય થયો હતો.
પંજાબમાં મુખ્યમંત્રી પદેથી દૂર કરાયેલા કેપ્ટન અમરિંદર સિંહે નવી રાજકીય પાર્ટી ઉભી કરી હતી. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. કેપ્ટનની પણ હાર થઈ છે. કેપ્ટને હાર સ્વિકારીને કહ્યું હતું કે, હું પુરી વિનમ્રતાથી જનતાને નિર્ણયને આવકારુ છું. તેમજ કેપ્ટને આમ આદમી પાર્ટી અને ભગવંત સિંહને શુભેચ્છાઓ પાઠવી હતી.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 85થી વધારે બેઠકો ઉપર જીત થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસ 19 બેઠકો ઉપર જીતી શક્યું હતું. તેમજ અકાળીદળને ચાર, ભાજપને બે અને અન્યને એક બેઠક મળી હોવાનું જાણવા મળે છે.