પંજાબ વિધાનસભા ચૂંટણી:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આપ પાર્ટી પર પ્રહાર
- પંજાબ વિધાનસભા ચૂંટણી
- સ્મૃતિ ઈરાનીનો આપ પાર્ટી પર પ્રહાર
- કહ્યું આપ પાર્ટી મંદિર નજીક દારૂની દુકાન ખોલે છે
અમૃતસર: ઉત્તરપ્રદેશ બાદ જો વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો હોય તો તે છે પંજાબમાં. આ રાજ્યમાં કોંગ્રેસ દ્વારા તો આપ પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે પણ સાથે સાથે હવે ભાજપ દ્વારા પણ આપ પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, એક તરફ કેજરીવાલ સરકાર ‘નશા મુક્ત’ પંજાબનું વચન આપી રહી છે, તો બીજી તરફ મંદિરો પાસે દારૂની દુકાનો ખોલી રહી છે.
તેમણે કહ્યું, “ભાજપ મંદિર બનાવી રહી છે અને કેજરીવાલ સરકાર તેની નજીક દારૂની દુકાન ખોલી રહી છે. તિલકનગરમાં તમને બે ગુરુદ્વારાની વચ્ચે દારૂની દુકાન જોવા મળશે. ધર્મની એક મર્યાદા છે જેને કેજરીવાલ સરકારે તોડી છે અને પછી તેઓ ‘નશામુક્ત’ પંજાબનું વચન આપે છે.”
તેમણે વધુમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દ્વારા દારૂની દુકાન ખોલવી એ સાબિત કરે છે કે તેઓ નફા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેણીએ કહ્યું, “હું અહીંના તમામ ભાઈઓને કહીશ કે, કલ્પના કરો કે એક બહેન આદર અને સલામતીની આશા સાથે દરરોજ દારૂની દુકાન પાસેથી પસાર થાય છે. તેમના સંઘર્ષ માટે કેજરીવાલ જવાબદાર છે.”