- અમૃતસરમાં અનોખી હોસ્પિટલ થઇ શરૂ
- દેશની પ્રથમ’ટ્રી એમ્બ્યુલન્સ’સેવા શરૂ
- વૃક્ષો-છોડના 32 રોગોની કરાશે સારવાર
- આયુર્વેદના આધારે કરાશે છોડની સારવાર
તમે માણસો અને પ્રાણીઓના હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ વિશે સાંભળ્યું અને જોઇ હશે. પરંતુ આજે અમે તમને એક અનોખી હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ વિશે જણાવીશું. આ હોસ્પિટલ એકદમ અનોખી છે, અને પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા પણ આપે છે. ખરેખર,પંજાબના અમૃતસર જિલ્લામાં આ અનોખી હોસ્પિટલ શરૂ થઇ છે. લોકો આ હોસ્પિટલના વખાણ કરી રહ્યા છે.
અમૃતસરની આ હોસ્પિટલ વૃક્ષો અને છોડની સારવાર કરશે. ખાસ વાત એ છે કે, તેમાં લગભગ 32 પ્રકારના રોગોની સારવાર કરવામાં આવશે. આ અનોખી શરૂઆત આઈઆરએસ અધિકારી રોહિત મહેરાએ કરી છે. તેઓનું કહેવું છે કે, જ્યારે છોડ બીમાર પડે ત્યારે તેને જડમૂળથી ઉખાડીને ન ફેકવું જોઈએ,કારણ કે તેની સારવાર થઇ શકે છે. આયુર્વેદના આધારે છોડની સારવાર કરવામાં આવશે. આ હેતુ માટે ભારતીય મહેસૂલ અધિકારી રોહિત મેહરાએ દેશની પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ શરૂ કરી છે.
રોહિત મેહરાના જણાવ્યા મુજબ, ઝાડને પુનઃજીવિત બનાવવા માટે ટ્રી એમ્બ્યુલન્સમાં નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવી છે, જે છોડના રોગોની સારવાર માટે સક્ષમ છે. ટ્રી એમ્બ્યુલન્સમાં આઠ વનસ્પતિશાસ્ત્રીઓ અને પાંચ વૈજ્ઞાનિકો સામેલ છે. તેમાં 32 જુદા જુદા રોગોને મટાડવાની વ્યવસ્થા છે. જે લોકોએ તેમના ઘરો અથવા ઉદ્યાનોમાં મોટા વૃક્ષો વાવ્યા છે, તેઓએ વૃક્ષોની સંભાળ માટે આગળ આવવું પડશે.
જે વ્યક્તિ વૃક્ષોની સારવાર માટે ટ્રી એમ્બ્યુલન્સની મદદ માંગે છે, તેને મોબાઇલ નંબર 8968339411 પર જાણ કરવાની રહેશે. આ પછી, ગઠિત નિષ્ણાતોની ટીમ સ્થળ પર જશે અને નિરીક્ષણ પછી સારવાર શરૂ કરવામાં આવશે.
આ તમામ કાર્ય નિ:શુલ્ક કરવામાં આવશે. રોહિત મેહરાનું કહેવું છે કે, ટ્રી એમ્બ્યુલન્સનું નામ ‘પુષ્પા ટ્રી એન્ડ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ ડિસ્પેન્સરી’ રાખવામાં આવ્યું છે. આ એમ્બ્યુલન્સ શહેરની મુસાફરી કરશે.
-દેવાંશી