પંજાબઃ કેપ્ટને કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ, રાજકીય પાર્ટીની જાહેરાત કરી નવી ઈનિંગ્સનો કર્યો પ્રારંભ
દિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ આખરે કોંગ્રેસને અલવિદા કરી દીધું છે. કેપ્ટન અમરિંદર સિંહએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે. આ ઉપરાંત પંજાબ લોક કોંગ્રેસ નામની પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટનએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડવાના સંકેત આપ્યાં હતા. હવે કેપ્ટને પોતાની પાર્ટીની જાહેરાત કરી છે. આમ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે નવા પડકારો ઉભા થવાના સંકેત જોવા મળી રહ્યાં છે.
પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીમાનુ મોકલી આપ્યું હતું. જે બાદ કેપ્ટનએ પોતાની નવી પાર્ટીના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની નવી પાર્ટીનું નામ પંજાબ લોક કોંગ્રેસ હશે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી અપમાન થતું હતું. મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન દિલ્હી ગયા હતા. જ્યાં તેમણે ભાજપના સિનિયર નેતા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે લંબાણ પૂર્વકની ચર્ચા કરી હતી. જેથી તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો પણ વહેતી થઈ હતી.
પંજાબમાં અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હતી. અંતે અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યાર બાદ પંજાબની જવાબદારી કોંગ્રેસે ચન્નીને સોંપી હતી. રાજીનામા બાદ અમરિંદર સિંહે કોંગ્રેસનો સાથ છોડવાનો પણ નિર્ણય જાહેર કર્યો હતો. તેમજ તેમણે કોંગ્રેસ અને નવજોતસિંહ સિદ્ધુની સામે આકરા પ્રહાર કર્યાં હતા. અંતે કેપ્ટને કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપી દીધું હતું. હવે તેમણે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. આગામી વર્ષે પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં કેપ્ટન અમરિંદ સિંહ કોંગ્રેસ સામે પડકાર ઉભો કરી શકે છે.