પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ શપથ ગ્રહણ કર્યા, કેજરિવાલ પણ રહ્યાં ઉપસ્થિત
દિલ્હીઃ પંજાબ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યાં હતા. દરમિયાન આજે ભગવંત માનએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર શપથ લીધા બાદ ભગવંત માનના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અહંકાર નહીં કરવા માટે અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, આપણે તે લોકોનું સન્માન કરવું જોઈએ. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તેમને શપથ લેવડાવ્યાં હતા. શપથવિધી સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપસ્થિત રહ્યાં હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ઈમાનદાર રાજનીતિ અને લોકોની પ્રગતિ માટે કામ કરનારી સરકાર આપવાનું સ્વપ્ન લઈને અરવિંદ કેજરિવાલે 10 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીનો પાયો નાખ્યો હતો. આજે પંજાબમાં આ સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે.
મુખ્યમંત્રી પદના શપથ લીધા પહેલા ભગવંત માન એક્શન મોડમાં આવી ગયા હતા. પંજાબ સરકાર તરફથી 57 પૂર્વ મંત્રીઓ અને સત્તામાં દૂર થયેલા ધારાસભ્યોને સરકારી આવાસ ખાલી કરવા માટે સૂચના આપી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 92 બેઠકો ઉપર ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસની 18, અકાલી દળની 3 અને ભાજપની બે બેઠકો ઉપર જીત થઈ હતી. આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન પંજાબના બીજા યુવા મુખ્યમંત્રી છે. આ પહેલા પ્રકાશસિંહ બાદલ પહેલા યુવા મુખ્યમંત્રી હતા.