લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરિવાલની મુલાકાત બાદ પંજાબના CM માન થયા ભાવુક
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ભગવંત માનએ તિહાડ જેલમાં કેજરિવાલની મુલાકાત કરી હતી. કેજરિવાલ સાથે મુલાકાત બાદ સીએમ માને જણાવ્યું હતું કે, તેમને યોગ્ય સુવિધા નથી મળતી, આ જોઈને દુખ થયું છે. તેમની ભૂલ શું છે, જેથી તેમની સાથે આવો વ્યાવહાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેજરિવાલ કટ્ટર ઈમાનદાર છે, જેમણે પારદર્શિતાની રાજનીતિ શરૂ કરી છે અને ભાજપની રાજનીતિ ખતમ કરી છે જેથી તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અનુશાસિત પાર્ટી છે અમે સાથે છીએ અને અરવિંદ કેજરિવાલની સાથે દ્રઢતાથી ઉભા છીએ. જ્યારે 4 જૂનના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો આમ આદમી પાર્ટી એક રાજકીય શક્તિ સ્વરૂપે ઉભરી આવશે.
લીકર પોલીસી પ્રકરણમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં રિમાન્ડ પુરા થતા અદાલતે તેમને જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ જેલમાં જ બેઠા-બેઠા સરકાર ચલાવી રહ્યાં છે.