પંજાબઃ લુધિયાણા કોર્ટ સંકુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલાયો
દિલ્હીઃ પંજાબના લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. મૃતક સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ ગગનદીપ સિંહ હોવાનું સામે આવ્યું છે. તેને 2019 માં ડ્રગની દાણચોરી માટે નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. કોર્ટ સંકુલમાં બોમ્બ પ્લાન્ટ કરતો હતો ત્યારે જ વિસ્ફોટ થતા તેનું મોત થયાનું સામે આવ્યું છે. પોતાની સામેના કેસના દસ્તાવેજના નાશ માટે તેણે કોર્ટ સંકુલમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરુ ઘડ્યું હતું.
ડીજીપીએ જણાવ્યું હતું કે, ગગનદીપ સિંહ લુધિયાણાના ખન્નાનો રહેવાસી હતો. ડ્રગ હેરફેરના કેસમાં તેને પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. તે કોર્ટમાં બ્લાસ્ટ માટે વિસ્ફોટકો લગાવી રહ્યો હતો, ત્યારે વિસ્ફોટ થયો. ગગનદીપ સિંહના મોબાઈલમાંથી મળેલા સિમકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. ગગનદીપની ડ્રગ્સના કેસમાં ધરપકડ કર્યા બાદ તેણે બે વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો.
કોર્ટ પરિસરમાં વિસ્ફોટની ઘટના ગુરુવારે બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે છ અન્ય ઘાયલ થયા હતા. માર્યા ગયેલા વ્યક્તિના શરીર પર એક ટેટૂ મળી આવ્યું હતું. આ ટેટૂએ ભેદ ઉકેલવામાં મદદ કરી હોવાનું જાણવા મળે છે.
ડીજીપીએ કહ્યું કે આરોપી ગગનદીપ સિંહ કોર્ટના રેકોર્ડ રૂમને વિસ્ફોટથી ઉડાવી દેવા માંગતો હતો. તેની યોજના એવી હતી કે રેકોર્ડ રૂમમાં બ્લાસ્ટ થયા બાદ તમામ દસ્તાવેજોનો નાશ કરવામાં આવશે અને તેની સામે ડ્રગ્સની દાણચોરીનો કોઈ પુરાવો નહીં મળે. ગગનદીપ જ્યારે બે વર્ષ જેલમાં હતો ત્યારે ખાલિસ્તાનીઓના સંપર્કમાં આવ્યો હતો.