નવી દિલ્હીઃ પંજાબની ભગવંત માન સરકારમાં આજે મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે શપથ ગ્રહણ સમારોહમાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આજે 10 મંત્રીઓએ શપથ લીધા. પ્રથમ નંબર પર હરપાલ સિંહ ચીમા અને 10મા નંબર પર હરજોત સિંહ બેન્સે મંત્રી તરીકે શપથ લીધા.
પ્રાપ્ત માહિતી અનુસાર 31 વર્ષીય બેન્સ ભગવંત માનની કેબિનેટમાં સૌથી યુવા મંત્રી છે. જ્યારે 60 વર્ષીય કુલદીપ સિંહ ધાલીવાલ સૌથી વૃદ્ધ મંત્રી છે. નવમા નંબરે બ્રહ્માશંકર ઝિમ્પાએ મંત્રી તરીકે શપથ લીધા. ગુરમીત સિંહ મીત હરેએ છઠ્ઠા મંત્રી તરીકે શપથ લીધા. તેની ઉંમર 32 વર્ષની છે. આ પછી કુલદીપ સિંહ ધાલીવાલે શપથ લીધા. લાલજીત સિંહ ભુલ્લરે આઠમા નંબરે શપથ લીધા. સૌ પ્રથમ હરપાલ સિંહ ચીમાએ શપથ લીધા. ચીમા પછી ડૉ.બલજીત કૌરે મંત્રી તરીકે શપથ લીધા. હરભજન સિંહ ETOએ ત્રીજા નંબરે મંત્રી તરીકે શપથ લીધા. આ પછી ડો.વિજય સિંગલાએ મંત્રી તરીકે શપથ લીધા હતા પાંચમા નંબરે લાલચંદ કટારુચાકે મંત્રી તરીકે શપથ લીધા હતા. કેબિનેટમાં કોઈને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી. રાજ્યપાલે રાજભવનમાં 10 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં હરિયાણાના રાજ્યપાલ બંગારુ દત્તાત્રેય પણ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તેમજ બે દિવસ પહેલા જ સીએમ તરીકે ભગવંત માનએ શપથ લીધા હતા. શપથવિધી સમારોહમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરિવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.