પંજાબઃ ટાર્ગેટ કિલીંગ માટે આવેલા બબ્બર ખાલસા જૂથના બે આતંકી ઝબ્બે
નવી દિલ્હીઃ દેશ વિરોધી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન પંજાબના જલંધરમાં ટાર્ગેટ કિલીંગ કરવા માટે આવેલા બબ્બર ખાલસા જૂથના બે આતંકવાદીઓને કાઉન્ટર ઈન્ટેલિજેન્સએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે બે પિસ્તલ, ચાર મેગેજીન અને કારતુસ જપ્ત કર્યાં હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કાઉન્ટર ઈન્ટેલિજેન્સએ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધરીને બંનેને ઝડપી લીધા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર આરોપી પંજાબમાં કોઈ મોટા નેતાને નિશાન બનાવવા માટે આવ્યાં હતા. જો કે, આ અંગે હજુ સુધી સુરક્ષા એજન્સીએ સત્તાવાર ખુલાસો કર્યો નથી. બંને આતંકવાદીઓને કોર્ટમાં રજુ કરવાની કવાયત શરુ કરવામાં આવી છે. તેમજ બંનેની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આતંકી મોડ્યુલનું સંચાલન આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયન અમેરિકાથી કરી રહ્યો છે. સુરક્ષા એજન્સીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.