(સંજય ઉપાધ્યાય)
ઋષિ કહીએ એટલે જટાધારી, વલ્કલ પહેરેલાં, આશ્રમવાસી, ક્વચિત અનિષ્ટો સામે આયુધ ઉપાડતા વિદ્વાન યોગીની મૂર્તિ નજર સમક્ષ આવે. આજના યુગમાં આવા કેટલાંક ઋષિઓ થ્રી પીસ સૂટ બુટ સાથે આધુનિક વેશમાં ફરતા હોય તો એમને ઋષિ માનવાનું કે લોકોને ગળે ઉતારવાનું મુશ્કેલ છે. પણ જોવાની દૃષ્ટિ હોય તો સમાજ ખાતર અંગત સુખો ત્યાગીને પોતાના જીવન ન્યોછાવર કરનારા ઋષિઓ આજે પણ છે. ચાહે એ વૈજ્ઞાનિક હોય, ડોકટર કે એન્જિનિયર હોય, શિક્ષક કે પછી કોઈ પણ વ્યવસાયી હોય. ઈવન રાજકારણી પણ ઋષિ હોઇ શકે. અફસોસ કે મીડિયાની આંખે જ સઘળું જોવા ટેવાયેલી પ્રજાને સત્ય કોણ દેખાડે?
થોડાં સમય પહેલાં ચિરવિદાય લેનારા આવા એક ઋષિ વિશ્વવિખ્યાત પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબની આત્મકથા “પુરુષાર્થ પોતાનો, પ્રસાદ પ્રભુનો”( મૂળ અંગ્રેજી Tryst with Destiny નો ડૉ. અરુણા વણીકર દ્વારા થયેલ અનુવાદ) વાંચ્યા પછી આવેલા વિચારો પીછો છોડતા નથી. એમના જીવનની વાતો એટલી જાણીતી છે કે એની વિગતો આપવી જરૂરી નથી. બિલકુલ સાહિત્યિક કે અલંકારિક નહિ એવી એકદમ રંગરોગાન વિનાની દસ્તાવેજી શૈલીમાં આલેખાયેલી કથા એકી બેઠકે વંચાય એ ચમત્કાર એની સચ્ચાઈ અને “હું”પદ વિનાના આલેખન ને આભારી છે. મને જે બાબત ઉંડે સુધી સ્પર્શી ગઈ એ ડૉ. ત્રિવેદીનો જીવનના અંતિમ શ્વાસ સુધી વેઠેલો સંઘર્ષ.
પરદેશમાં સારી પ્રતિષ્ઠા અને આવક છતાં ગોરી ચામડીનો બીજાઓ માટેનો છૂપો દ્વેષ એમને નડતો જ. પણ એ કરતાં અનેકગણો નડ્યો ભારતમાં આવ્યા પછી મેડિકલ માફિયા તરીકે ઓળખાતા અને આજે પણ પ્રવૃત્ત એવા ભ્રષ્ટ અને અહંકારી લોકોનો સત્યને પરાજિત કરવાનો કારસો. વિક્રમસર્જક કિડની પ્રત્યારોપણ કરનાર અને વિશ્વની પ્રથમ કિડની રિસર્ચ યુનિવર્સિટી અને હોસ્પિટલ સ્થાપનાર આ વિભૂતિને મીડિયા, કેટલાંક સુજ્ઞ રાજકારણીઓ અને સારા અધિકારીઓનો સાથ મળવા છતાં “નેવાનાં પાણી મોભે ચડાવવા” જેવી, હતાશ કરી મુકે એવી પરિસ્થિતિઓનો એકથી વધુ વખત સામનો કરવો પડ્યો. કાચોપોચો માણસ ડર કે નિરાશાથી શરણે થઈ જાય એવા સંજોગોમાં માત્ર પોતાની નિ:સ્વાર્થ સેવાભાવના અને સચ્ચાઈના જોરે ઝઝૂમનાર આ નરપુંગવ ને સલામ કર્યા વિના રહેવાય નહિ.
અલબત્ત, કડવી સચ્ચાઈ તો રહે જ છે કે મેડિકલ ક્ષેત્રમાં આવા મુઠ્ઠીભર માફિયા તત્ત્વો આજે પણ સક્રિય છે અને અન્યથા સેવારત એવી સમગ્ર મેડિકલ આલમને બદનામ કરી રહ્યા છે. એમને નીચેથી ઉપર સુધી સૌ ઓળખતા હોવા છતાં કોઈ સત્તાધીશ એમનો વાળ કેમ વાંકો કરી શકતા નથી એ ખુલ્લું રહસ્ય છે. ખેર! વેબ સિરીઝ જેવી રોમાંચક અને વાંચતા અનેકવાર રૂંવાડા ઊભા થાય એવી આ કથા મેડિકલ વિદ્યાર્થીઓ તો વાંચે જ. એની ટેકનિકલ વિગતો થોડી ગાળીને ૩૫૦ જેટલા પેજનો સંક્ષેપ થાય અને પ્રાથમિક કે માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ સુધી પણ આ સંઘર્ષ અને સેવાની કથા પહોંચે તો બહુ મોટું કામ થશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઋષિ હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા પામેલ ધર્મસ્થાન આજે હજારો દર્દીનારાયણોની સેવામાં પ્રવૃત્ત છે એ એમના કાર્યોને સૌથી મોટી અંજલિ છે.