અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારાની સાથે ટ્રાફિકની સમસ્યા વકરી છે. ટ્રાફિકના નિયમન માટે પોલીસ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીનગરમાં સેફટી કોરિડોર ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. રૂ. 14 કરોડના ખર્ચે શરૂ થનારા પુશબટન ફ્લેશિંગ ક્રોસ વોડ સિસ્ટમના પાઈલોટ પ્રોજેક્ટથી રાહદારીઓને મોટી રાહત થશે. અમેદિરા અને લંડન સહિત દુનિયાના અનેક દેશોમાં આ સિસ્ટમ ચાલું છે. આ પ્રોજેક્ટ હેઠળ રાહદારીઓ જાતે જ એક બટન દબાવીને ટ્રાફિકને અમુક સેકન્ડ સુધી રેડ સિગ્નલ કરીને રસ્તો સરળતાથી ક્રોસ કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં ડિસેમ્બરમાં શરૂ થનારા આ પાઈલોટ પ્રોજેક્ટ જો સફળ થશે તો તબક્કાવાર રાજ્યના અન્ય શહેરોમાં પણ તેનો અમલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક જેસીપી મયંક ચાવડાના જણાવ્યા અનુસાર, ગાંધીનગરમાં આ સિસ્ટમ સફળ થશે તો અમદાવાદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં તે પ્રોજેકટ પર ટ્રાફિક વિભાગ દ્વારા અભ્યાસ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ તેનો રાજ્યના અન્ય શહેરો અને નગરોમાં અમલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ઉંમરલાયક વ્યક્તિઓ બાળકોને રસ્તો ક્રોસ કરવામાં રાહત મળશે.