(સ્પર્શ હાર્દિક)
નૂપુર શર્માને વિવાદોમાં ઘેરીને એમને પરેશાન કરવાની ઘટના હજુ ઘણાંનાં મન પર તાજી હશે. આ ઘટનાથી મિડલ-ઇસ્ટના જે દેશો પોતાના કટ્ટર વલણને કારણે લોકોની નજરે ચડેલા એમાંનો એક દેશ હતો કતાર (અથવા ક઼તર). આ જ કતાર ફરી ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પછી ચર્ચામાં આવે છે. ગાઝા પટ્ટીનાં લોકોનાં મનમાં ઝેર ભરીને એમને કટ્ટરપંથી બનાવી મોતની ખાઈમાં ધકેલી દેનાર ઇસ્માઇલ હનિયે અને ખાલિદ મશાલ જેવા હમાસના લિડર કતારમાં અય્યાશ થઈને જીવે છે. કતારનું જ સરકારી પ્રૉપગેન્ડા મશીન એવું અલ-જઝીરા જૂઠાણાંઓ દ્વારા આતંકવાદી વિચારધારાનું સમર્થન કરવાની કોઈ તક નથી ચૂકતું.
હવે નવા સમાચાર આવે છે કે કતારમાં મહિનાઓથી જેલમાં એકાંતવાસમાં કેદ, આઠ ભારતીય નિવૃત્ત નૌસેના અધિકારીઓને મોતની સજા ફરમાવવામાં આવી છે. ભારત સરકાર આને આઘાતજનક ગણાવે છે. એ નૌસેના અધિકારીઓ પર ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવેલો, પરંતુ ન્યાય પ્રક્રિયાની કોઈ પણ પ્રકારની પારદર્શિતા દેખાડ્યા વગર જ કતારે આ ફેંસલો સંભળાવી દીધો છે. ભારતીય નૌસેના અધિકારીઓ નિવૃત્તિ બાદ કતારની એક ખાનગી કંપની માટે લાંબા સમયથી કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને ગયા વર્ષના ઑગસ્ટથી તેઓ જેલમાં બંધ છે.
જીઑપૉલિટિક્સમાં ટાઇમિંગને અત્યંત મહત્વનું ગણતા નિષ્ણાતોને કતારનું આવું ઘૃણાસ્પદ પગલું ભારતને મળેલી સજા લાગે છે; હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયેલને ભારતની સરકારે અને ખાસ કરીને ભારતીય પ્રજાના એક મોટા વર્ગે ઇન્ટરનેટ પર કરેલા સમર્થનની સજા! વિશ્વભરના કેટલાંયે આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક સહાયના મૂળ શોધવામાં આવે તો કતારમાં મળી આવતાં હોય છે. કતાર સાથે એકંદરે ભારતના રાજદ્વારી અને અન્ય સંબંધો એવા કંઈ ખાસ ખટાશભર્યા નથી રહ્યા, પણ વાસ્તવિકતા એ છે કે એ દેશમાં આશ્રય લઈને બેઠેલા આતંકી તત્ત્વો ભારતને જ નહીં, વિશ્વના અન્ય દેશોને પણ અવારનવાર નુકસાન કરે જ છે. આપણા નિવૃત્ત નૌસેના અધિકારીઓને મહિનાઓથી બંધક રાખી કતાર કઈ ગેમ રમી રહ્યું છે એ કદાચ લાંબા સમય સુધી જાહેરમાં નહીં આવે. આવી ઘટનાથી એક ગંભીર ચિંતા સપાટી પર આવે છે કે મિડલ ઇસ્ટના દેશો સાથે કઈ હદ સુધી સંબંધો રાખવા સલામત ગણાશે? કારણ કે ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો ધંધા-રોજગાર અર્થે જઈને વસ્યા છે. આ રીતે જો કોઈ અન્ય વાતનું વેર રાખી અથવા કોઈ બીજા વિષયમાં ભારત પર દબાણ નાખવા નિર્દોષ ભારતીયોને પકડીને સજા કરવાનું કતાર જેવા દેશો શરૂ કરી દે તો ભારત માટે મોટી સમસ્યા સર્જાય.
કતારની વાત કરીએ તો એનું વિશ્વના નકશા પર મહત્વ આ બે મુખ્ય કારણથી છે; પહેલું નેચરલ ગેસના ઉત્પાદક તરીકે, અને બીજું મિડલ ઇસ્ટમાં અમેરિકાના સૌથી મોટા સૈન્ય થાણા તરીકે. અલબત્ત, અમેરિકાની ત્યાં હાજરી હોવા છતાં કતાર આતંકવાદને સંરક્ષણ આપનારો દેશ બની શકે છે, એ વાતે ઘણાંને મનમાં આશ્વર્ય થાય છે અને અમેરિકાની શક્તિ પર સવાલો જાગે છે. તો સામા પક્ષે, ઘણાંને આ હકીકત એવી કોન્સિરસી થીઅરીનો પુરાવો લાગે છે કે અમેરિકા અને એની સી.આઈ.એ. જેવી સિક્રેટ એજન્સી જ પડદા પાછળથી આતંકવાદી તત્ત્વોને નચાવે છે અને પછી એમની સામેની લડાઈનું આયોજન કરી શસ્ત્રોના વેપારીઓનો ધંધો ચાલતો રાખે છે! આ વિષયમાં સત્ય શું છે એ કદી સામે નહીં આવે.
ભારતને કતારની જરૂર મુખ્યત્વે નેચરલ ગેસ માટે છે. ૨૦૨૧ના આંકડાઓ કહે છે કે આપણી નેચરલ ગેસની આયાતનો ૪૨% હિસ્સો કતારમાંથી આવતો હતો. સપ્લાય માટે એક જ દેશ પર નિર્ભર રહેવાનું ટાળવા ભારતે બીજાં વિકલ્પો વિચારવાનું લાંબા સમયથી શરૂ કરી દીધું છે. આપણે રશિયા પાસેથી નેચરલ ગેસની ખરીદી વધારી છે. આફ્રિકામાં મોઝામ્બિક તથા તન્ઝાનિયા પણ નવા સપ્લાયર તરીકે આશાસ્પદ વિકલ્પ બનીને સામે આવે એમ છે. ફ્રાન્સની અગ્રણી કંપની ‘ટોટલ એનર્જિઝ’ સાથે, ભારતની ત્રણ કંપનીઓ ‘ઓ.એન.જી.સી. વિદેશ’, ‘ભારત પેટ્રોરિસોર્સિઝ’ અને ‘ઓઇલ ઇન્ડિયા’નો મળીને જેમાં ત્રીસ ટકા હિસ્સો છે, મોઝામ્બિકમાં આકાર લેનાર એવા એક પ્રૉજેક્ટને ૨૦૨૧માં બંધ રાખવો પડેલો. કેમ? કારણ કે ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા આતંકી તત્ત્વોએ ત્યાંનાં નાગરિકો પર હુમલાઓ શરૂ કરી દીધેલા. મોઝામ્બિક આફ્રિકા ખંડના પૂર્વ કાંઠે પડે છે, જ્યાંથી સીધો જળમાર્ગ એને ભારત સાથે જોડી દે. જો આવો મહત્વનો પ્રૉજેક્ટ ખોરંભાય તો આપણું કતાર જેવા દેશો પરનું અવલંબન ટકી રહે. માટે શંકા એવી પણ જાગે કે, શું મોઝામ્બિકના પ્રૉજેક્ટને નિષ્ફળ બનાવવા પાછળ કતાર સીધી કે આડકતરી રીતે જવાબદાર હશે ખરું?
આતંકવાદી વિચારધારાઓને ફન્ડ કરનાર કતાર જેવા દેશો ભારતમાં અશાંતિ પ્રસરેલી રહે એ માટે પણ પૂરતાં પ્રયાસો કરે છે. નૂપુર શર્માના કેસમાં પણ જાણે ભારતને સજા કરાઈ રહી હોય એમ મિડલ ઇસ્ટના ઘણા દેશોએ એ મુદ્દાને સળગાવી ભારતમાં અશાંતિ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી. આપણા નિવૃત્ત નૌસેના અધિકારીઓને મૃત્યુદંડની સજા આપી, એમાંથી જન્મતા પ્રત્યાઘાતો વડે આવી જ અશાંતિ ચૂંટણી પહેલાં ફેલાય અને ભારતની છબિ શક્તિહીન તથા અસ્થિર દેશ તરીકેની ઘડાય એવી ચાલ ગોઠવાતી હોય એવું પ્રથમ દૃષ્ટિએ જણાય છે. એક તરફ આવતી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ભાજપ અને નરેન્દ્ર મોદી પુનઃ વિજેતા થશે એવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે ત્યારે, કતાર જેવા દેશોના માધ્યમથી શત્રુ તાકતો તરફથી પ્રો-મોદી કે પ્રો-બીજેપી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું શક્ય છે.
કતાર તો એક ઉદાહરણ માત્ર છે. એ કોઈ રહસ્ય નથી કે વિદેશી શક્તિઓ ભારતને નબળું દેખાડવા અને નબળું પાડવા સતત પ્રવૃત્ત રહે છે. ક્યારેક પ્રેસ ફ્રિડમ તો ક્યારેક ડેમોક્રસીના આંકડાઓમાં દેખીતી રીતે આ મામલે સાવ પછાત દેશો કરતાં પણ ભારતને નીચો ક્રમ આપી તેઓ પોતાની ઘૃણા દર્શાવતા રહે છે. એક તરફ વિદેશી સંસ્થાઓ ભળતા જ આંકડાઓ રજૂ કરીને ભારતને ભૂખમરાથી પીડાતો દેશ ગણાવે છે અને બીજી તરફ ભારત નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકે ત્યારે પશ્ચિમના માધ્યમો આ પગલાંની ટીકા કરવા દોડી આવે છે! જે દેશ દુનિયાના ઘણા દેશોમાં અન્ન અને અન્ય ખાદ્ય સામગ્રીઓની નિકાસ કરતો હોય એને જ ભૂખ્યો સાબિત કરવા જેવો વિકૃત અને વિરોધાભાસી કુપ્રચાર ગળે ઊતરે એવો નથી. ભારત જેમ જેમ વધું બળવાન થવાની ઇચ્છા રાખશે અને એ માટે જરૂરી પ્રયાસો કરશે, એમ એમ આવા પ્રહારો વધતા જવાના એ નક્કી છે. ગ્લોબલ ગેમમાં આગળ વધવાનો અને તાકતવર થવાનો આ માર્ગ સરળ નહીં જ હોય, તેમ છતાં ભારતનું મનોબળ નહીં તૂટે એનો પણ આપણને સૌને પૂરો ભરોસો છે.
hardik.sparsh@gmail.com