Site icon Revoi.in

જાપાનમાં નવા વર્ષે ધરતી ભયાનક રીતે ડોલી, 7.4ની તીવ્રતાના ભૂકંપ બાદ ત્સુનામીની ચેતવણી

Social Share

ટોક્યિો: જાપાનને ફરી એકવાર પ્રચંડ ભૂકંપે દહેલાવી દીધું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ભૂકંપ પ્રભાવિત રાજ્યમાં સમુદ્રનું જળસ્તર ભયજનક સપાટી પર પહોંચી ગયું છે અને લોકોને મકાનો ખાલી કરી દેવાનો અનુરોધ જાહેર કરી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે જાપાનમાં આ વખતે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

ભૂકંપની તીવ્રતાને જોતા ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

જાપાનની હવામાન એજન્સીએ કહ્યું છે કે શક્તિશાળી ભૂકંપના આંચકા પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં મહેસૂસ કરાયા છે. જાપાનના એનએચકે બ્રોડકાસ્ટરે કહ્યું છે કે જાપાનના સમુદ્રતટ સાથેના નિગાટા, ટોયામા, યામાગાટા, ફુકુઈ અને હ્યોગો રાજ્યમાં પણ ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓ પ્રમાણે, ત્સુનામીના કારણે સમુદ્રી લહેરો પાંચ મીટર સુધી ઊંચી ઉઠી શકે છે. માટે લોકોને જેટલી જલ્દી બની શકે તેટલી જલ્દી ઊંચી જમીન અથવા નજીકના કોઈ બિલ્ડિંગના ધાબા પર પહોંચવાનો અનુરોધ કરાયો છે.

કોઈપણ ભૂકંપ કેટલો ખતરનાક છે?

ભૂકંપની ભયાનકતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ તેના ગત સ્કેલની સરખામણીએ 10 ગણો વધારે ખતરનાક હોય છે.

0થી 1.9ની તીવ્રતાવાળો ભૂકંપ માત્ર સીસ્મોગ્રાફથી જ ખબર પડે છે

2થી 2.9ની તીવ્રતાના ભૂકંપમાં હળવા કંપન થાય છે

3થી 3.9ની તવ્રતાના ભૂકંપમાં નજીકથી ટ્રક પસાર થાય ત્યારે જેવું અનુભવાય તેવી અનુભૂતિ કરાવે છે

4થી 4.9ની તીવ્રતાના ભૂકંપમાં બારીઓના કાચ તૂટી શકે છે, દીવાલો પરની ફ્રેમ નીચે પડી શકે છે

5થી 5.9ની તીવ્રતાવાળા ભૂકંપમાં ઘરના ફર્નિચર હલી શકે છે

6થી 6.9ની તીવ્રતાવાળા ભૂકંપ ઈમારતોના પાયા હચમચાવી શકે છે, ઉપરના માળોને નુકશાન પહોંચાડી શકે છે, ઈમારતો ધ્વસ્ત થાય છે

7થી 7.9ની તીવ્રતાવાળા ભૂકંપમાં ઈમારતો ધ્વસ્ત થાય છે. જમીનની અંદરની પાઈપલાઈન ફાટી જાય છે

8થી 8.9ની તીવ્રતાવાળા ભૂકંપમાં ઈમારતો સાથે મોટામોટા પુલ પણ ધ્વસ્ત થાય છે

9 અથવા 9થી વધુની તીવ્રતાવાળા ભૂકંપમાં ભારે તબાહી થાય છે

ભૂકંપ ચાર પ્રકારના હોય છે-

(1) ઈન્ડ્યૂસ્ડ અર્થક્વેક એટલે કે એવો ભૂકંપ જે માણસની ગતિવિધિઓને કારણે પેદા થાય છે. જેવું કે સુરંગોનું નિર્માણ કાર્ય, કોઈ અજ્ઞાત જળસ્ત્રોતનું ભરાવું અથવા કોઈ પ્રકારના મોટા ભૌગોલિક અથવા જિયોથર્મલ પ્રોજેક્ટ્સ બનાવવા. બંધોના નિર્માણ કાર્યને કારણે પણ ભૂકંપ આવે છે

(2) વોલ્કેનિક અર્થક્વેક એટલે કે જ્વાળામુખીને ફાટતા પહેલા અથવા ફાટતા સમયે અથવા ફાટયા બાદ આવતો ભૂકંપ. આ ભૂકંપમાં ગરમ લાવા નીકળવા અને સપાટીની નીચે તેના વહેવાના કારણે આવે છે

(3) કોલેપ્સ અર્થક્વેક એટલે કે નાના ભૂકંપના આંચકા જે જમીનની અંદર રહેલી ગુફાઓ અને સુરંગના તૂટવાથી બને છે. જમીનની અંદર થનારા નાના વિસ્ફોટોના કાણે પણ તે આવે છે

(4) એક્સપ્લોઝન અર્થક્વેક એટલે કે આવા પ્રકારના ભૂકંપના આંચકા કોઈ પરમાણુ વિસ્ફોટ અથવા રાસાયણિક વિસ્ફોટના કારણે થાય છે