અમદાવાદઃ શહેરમાં 66 શાળાઓમાં 30 ટકા ઓછુ પરિણામ હોવાથી આવી શાળાઓમાં શિક્ષણ સુધારણા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આગામી માર્ચ 2024માં ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાશે. ત્યારે શહેરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે. અમદાવાદની 30 ટકાથી ઓછુ પરિણામ લાવનાર શાળાઓનુ પરિણામ સુધારવા માટે પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવી છે. નબળા પરિણામવાળી તમામ શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્નબેન્કનો મહાવરો કરાવવા માટે સૂચના આપવામા આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં 600 સ્કુલો આવેલી છે, જે પૈકી 66 જેટલી સ્કુલોનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યુ છે, જેનું પરિણામ સુધરે તે માટે DEO દ્વારા આ સ્કૂલોને પરિપત્ર કરીને વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે સુધારી શકાય? તે માટે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. DEO દ્વારા હાલમાં જ 15 જેટલા વિષયોની પ્રશ્નબેન્ક તૈયાર કરવામા આવી છે. જેનુ વાંચન -લેખન કરવાથી પરિણામ સુધરી શકે છે, જેથી ઓછુ પરિણામ લાવનારી તમામ સ્કુલનું પરિણામ સુધારવા માટે વિદ્યાર્થીઓને પ્રશ્નબેન્કનો મહાવરો કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાના સમય સુધી તમામ વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજરી આપે તે સુનિશ્ચિત કરવા માટે પણ એજ્યુકેશન ઓફિસરને સ્કૂલોમાં સમયાંતરે મુલાકાત કરીને માર્ગદર્શન આપવા સુચના આપવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, 30 ટકાથી ઓછી સ્કૂલોને ફરજિયાત પ્રશ્નબેન્ક તૈયાર કરીને આપવામાં આવી છે. આ પ્રકારની સ્કૂલ નજીકની સ્કૂલોના આચાર્યને સ્કૂલ દત્તક આપવામાં આવી છે, જે આ અંગે ધ્યાન આપશે.આ ઉપરાંત એજ્યુકેશન ઇન્સ્પેકટર દ્વારા પણ આ અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે. (File photo)