દિલ્હીમાં ફેડરેશનની મીટિંગમાં ગુજરાતના કર્મચારીઓના જુની પેન્શન સહિત પ્રશ્નોની રજુઆત
ગાંધીનગરઃ તાજેતરમાં દિલ્હી ખાતે ઇન્ડીયન પબ્લીક ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ અને નિર્મળા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં ગુજરાત સરકારના કર્મચારીઓના પ્રતિનિધિઓએ ગુજરાતમાં જુની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ ફિક્સ પગારને બદલે કાયમી કર્મચારીની નિમણૂંકો કરવા અને કરાર આધારિત પ્રથા બંધ કરવાની રજુઆત કરવામાં આવી હતી.
દિલ્હીમાં મળેલી ઇન્ડીયન પબ્લીક ફેડરેશનની વાર્ષિક સાધારણ સભામાં ગુજરાતના કર્મચારીઓના હિતમાં કેન્દ્રિય મંત્રી સમક્ષ પાંચ માંગણી કરવામાં આવી હતી અને તે બાબતે ઝડપી નિર્ણય કરવા બાબતે સૂચન કર્યુ હતુ. ગુજરાત રાજ્ય સંકલન સમિતિના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલએ જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં ઇન્ડીયન પબ્લિક સર્વિસ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા વી.પી.મિશ્રાના અધ્યક્ષ સાથે મળી હતી. જેમાં સમગ્ર દેશના 22 રાજ્યોમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ અને નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ વિષ્ણુભાઇ પટેલ, દિનેશ દેવમુરારી અને ગીરીશભાઇ રાવલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. બેઠકમાં હાજર બંને કેન્દ્રિય મંત્રી સામે રજૂઆત કરી હતી કે, રાજ્યના કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે સતત આંદોલન કરી રહ્યા છે, ત્યારે જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવે. તેમજ હાલમાં સચિવાલય કરાર આધારીત કર્મચારીઓથી ચાલી રહ્યુ છે, એમ કહીએ તો પણ ખોટુ નથી. ત્યારે કરાર આધારીત નોકરીઓ બંધ કરી નવ યુવાનોને રોજગારી આપવી જોઇએ, તેની સાથે ફીક્સ પગારની નોકરીઓ પણ બંધ કરવામાં આવે. રાજ્યના કર્મચારીઓની નિવૃતિની વય મર્યાદા 58થી વધારી 60 કરવી અને મોંઘવારી ભથ્થુ 50 ટકા કરી તેને મૂળ વેતનમાં સમાવેશ કરવો અને આગામી સમયમાં 8મુ પગારપંચ મળવા પાત્ર થશે, ત્યારે તેની કમિટીની ઝડપી રચના કરવાની માંગ કરી હતી.