ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર 9.10 લાખ હેકટરે પહોચ્યું, ખેડુતો વાવણીના કાર્યમાં જોતરાયા
રાજકોટ : રાજ્યમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયુ છે. ખરીફ મોસમ હવે પૂર્ણ થતાં જ છેલ્લા પખવાડિયાથી ખેડુતોએ રવિપાકની વાવણીનો પ્રારંભ કર્યો છે. રવિસીઝનની વાવણીના આરંભિક આંકડાઓ અત્યંત ઉત્સાહજનક છે. ગુજરાતના કૃષિ વિભાગે તાજેતરમાં વાવેતરના આંકડાઓની જાહેરાત કરી હતી જેમાં તા. 14 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં 9.10 લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. વાવેતર પાછલા વર્ષના 2.49 લાખ હેક્ટર કરતા ખાસ્સું વધારે છે. અત્યાર સુધીમાં 20 ટકા વાવેતર પૂર્ણ થયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વખતે વરસાદ સારા પ્રમાણમાં પડતા નદી, ડેમો, કૂવા અને તળાવોના તળ સાજા છે અને હવે પર્યાપ્ત ભેજ પણ મળતો હોવાથી રવી પાકોના વાવેતરમાં નોંધનીય વૃધ્ધિ દેખાઇ રહી છે. ઘઉંના ભાવમાં વ્યાપક તેજી આ વર્ષે થઇ છે અને હજુ નવો માલ ન આવે ત્યાં સુધી તેજીનું વાતાવરણ રહેશે તેવું સ્પષ્ટ દેખાતા ખેડૂતોએ ઘઉંની પસંદગી સૌથી વધારે કરી છે. મોટાંભાગના વિસ્તારોમાં પાણીની કોઇ જ સમસ્યા નથી એટલે ખેડૂતોએ અત્યારથી ઘઉંનું વાવેતર 1.17 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં કરી દીધું છે. પાછલા વર્ષમાં આ સમયે હજુ માંડ 2 હજાર હેક્ટરમાં વાવેતર હતુ. 90 ટકા વાવણી પિયતવાળા ભાગોમાં થઈ છે. આ ઉપરાંત ચણાના ભાવમાં મંદી હોવા છતાં આ વખતે વાવેતરમાં તગડો વધારો દેખાય રહ્યો છે. ચણાનું વાવેતર 1.80 લાખ હેક્ટરમાં થઇ ચૂક્યું છે. પાછલા વર્ષમાં 17 હજાર હેક્ટરમાં જ વાવેતર આ સમયગાળામાં હતુ. સરેરાશની સામે 23 ટકા વાવેતર સંપન્ન થઇ ગયું છે.
રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ ઉમેર્યુ હતુ કે,ધાન્ય પાકોમાં જુવાર અને મકાઇનું વાવેતર અનુક્રમે 7,971 અને 40,662 હેક્ટરમાં જોવા મળ્યું છે. એ પણ વધારે છે. રાજ્યમાં બન્ને ધાન્ય પાકોનું કુલ વાવેતર પાછલા વર્ષમાં 6100 હેક્ટર હતુ તેની સામે 1.67 લાખ હેક્ટર સુધી પહોંચી ચૂક્યું છે. તેલિબિયાંમાં તેજીને લીધે રાયડાના ભાવ ખાસ્સા ઉંચા છે. વળી, ઘણા ખેડૂતોને કપાસ કાઢી નાંખવો પડયો હોવાથી ઘણી જમીન ઘઉંને ફાળે ગઇ છે. જોકે રાયડાના પાકમાં પણ ભાવ સારો છે એટલે એનું વાવેતર પણ વધારે થયું છે. રાયડાનો વિસ્તાર 69,468 સામે 1.81 લાખ હેક્ટર થઇ ગયો છે. જીરાનું વાવેતર તેજીને લીધે આરંભમાં જ 28,592 હેક્ટર સુધી પહોંચી ગયું છે. ધાણાના વાવેતરમાં પણ ખાસ્સી પ્રગતિ જોવાતા 32,210 હેક્ટરમાં વાવણી થઇ છે. જે પાછલા વર્ષમાં ફક્ત 159 હેક્ટર હતુ. લસણનું વાવેતર મંદી છતાં 6539 હેક્ટર થઇ ગયું છે. સવાનું 2984 હેક્ટરમાં વાવેતર છે.