Site icon Revoi.in

જામનગરના લાલપુરમાં હડકાયા કૂતરાનો ત્રાસ, 12 લોકોને બચકા ભરતા હોસ્પિટલ ખસેડાયાં

Social Share

જામનગરઃ જિલ્લાના લાલપુરમાં કૂતરાનો ત્રાસ તો ઘણા વખતથી છે.ગમે તે શેરીમાં જાઓ તો કૂતરા પાછળ પડતા હોય છે. જેમાં એક હડકાયા થયેલા કૂતરાએ 12 લોકોને બચકા ભરતા તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરના લાલપુરમાં રાત્રે હડકાયા શ્વાને 12 લોકોને બચકાં ભરતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. હડકાયા શ્વાને બાળકો અને યુવકોના મોઢા અને શરીરના અન્ય ભાગે બચકાં ભર્યાં છે. એક યુવકને તો આંખ પર જ બચકું ભર્યું છે. આતંક મચાવનાર શ્વાનને પકડવા તંત્ર દાડધામ કરી રહ્યું છે.
રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરની જેમ કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. સુરેન્દ્રનગરમાં તો મંગળવારે સાંજે એક હડકાયા શ્વાને રીતસરનો આતંક મચાવ્યો હતો. શહેરના પતરાવાળી હોટલથી મેગામોલ સુધીના દોઢ કિમીના વિસ્તારમાં બે કલાકમાં 70થી વધુ લોકોને શ્વાને બચકાં ભર્યા હતા. જેને પગલે ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓનો ઘસારો જોઇ હોસ્પિટલમાંથી નોકરી પૂરી કરી ઘરે ગયેલા સ્ટાફને ફરજ પર પરત બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે બે દિવસ પહેલાં સુરતના પર્વત ગામમાં એક 2 વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી માથા પર બચકું ભરી લીધું હતું. ઘરની પાસે સોસાયટીમાં બાળકો રમી રહ્યાં હતાં, જ્યાં અચાનક શ્વાને આવીને બાળકનું માથું મોઢામાં નાખ્યું હતું, જેથી બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 7 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે આ હુમલામાં બાળકનને આંખ પર પણ ઈજા થઈ હતી. આમ રાજ્યના નાન-મોટા શહેરોમાં રખડતા કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે.

જામનગરના લાલપુરમાં હડકાયા થયેલા કૂતરાએ તરખાટ મચાવ્યો હતો. રાત્રે બાળકો, યુવાનો મળીને 12 જેટલા લોકોને બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. કૂતરૂ હડકાયું થયું હોવાની જાણ થતાં લોકોના ટાળાં કૂતરાને મારવા માટે ફરી રહ્યા હતા. હવે તો હડકાયા કૂતરાના ભયથી લોકો શેરીઓમાં જતાં પણ ડર અનુભવી રહ્યા છે.